અજિત મિશ્રાને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડ એનાયત

આ એવોર્ડ પ્રાપ્ત કરનારા મહાનુભાવોમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પણ સામેલ

Tuesday 30th January 2024 12:05 EST
 
 

લંડનઃ જાણીતા ભારતીય વકીલ અજિત મિશ્રાને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડથી સન્માનિત કરાયાં છે. અજિત મિશ્રા યુકે ઇન્ડિયા લીગલ પાર્ટનરશિપના સ્થાપક અને અધ્યક્ષ છે. 23 જાન્યુઆરીના રોજ તેમને આ સન્માન અપાયું હતું. બેવડી ડિગ્રી ધરાવતા મિશ્રા નાઇટ્સના કોર્પોરેટ પાર્ટનર છે. તેઓ બે દાયકા કરતાં વધુ સમયનો યુકે અને ભારત વચ્ચે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શનનો અનુભવ ધરાવે છે. તેઓ કેટલીક શ્રેષ્ઠ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કાયદા કંપનીની ઇન્ડિયા ડેસ્કના વડા અને ભાગીદાર પણ છે.

લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવર્ડ અને સિવિલ અફેર્સ કમિટીના ઉપાધ્યક્ષ શરવન જોષીએ અજિત મિશ્રાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકિત કર્યાં હતાં. સન્માન પ્રાપ્ત કર્યા બાદ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ સન્માનથી હું ઘણું ગૌરવ અનુભવી રહ્યો છું. મેં મારી કાયદાકીય કારકિર્દીનો પ્રારંભ લંડન શહેરથી કર્યો હતો અને આ શહેરે મને સન્માનિત કર્યો છે તે એક ગૌરવપ્રદ ક્ષણ છે.

આ એવોર્ડ 13મી સદીથી સિટી ઓફ લંડન કોર્પોરેશન દ્વારા અપાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ, યુકેના પૂર્વ વડાપ્રધાનો વિન્સ્ટન ચર્ચિલ અને માર્ગારેટ થેચર, સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન લી કુઆન યુ, દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ નેલ્સન મંડેલાને પણ આ સન્માન અપાઇ ચૂક્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter