લંડનઃચાન્સેલર રિશિ સુનાક બુધવાર ૩ માર્ચે ૨૦૨૧નું પ્રથમ બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારી સામેના યુદ્ધમાં નવી દિશાઓ અને વિચારો સાથે આ તેમનું પ્રથમ બજેટ છે જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ૨૦૨૦ના બજેટ અગાઉ ચાન્સેલર સાજિદ જાવિદના સ્થાને છેલ્લી ઘડીએ ગોઠવાયેલા રિશિ સુનાકને કોઈ ઓળખતું ન હતું પણ આજે તો તેઓ બ્રિટિશ રાજકારણમાં જાણીતા બન્યા છે. આ વર્ષે તેમની ભારે પરીક્ષા થશે અને તેમની બ્રિફકેસમાં શું હશે તે કોઈ જાણતું નથી. જોકે, આપણે તેની કેટલીક અટકળો કરી શકીએ છીએ.
• ટેક્સમાં વધારો હશે?: કોરોનાવર્ષ ૨૦૨૦માં મહામારી સામે લડવા અને લોકોની મદદ કરવા ભારે ખર્ચ કરાયો છે તેને જોતાં ટેક્સમાં વધારો થશે કે કેમ તેની ભારે અટકળો ચાલી છે. ક્લાસ ૪ નેશનલ ઈન્સ્યુરન્સ અને ફ્યૂલ ડ્યૂટીમાં વધારો, બજેટખાધ ઘટાડવા કેપિટલ ગેઈન્સ ટેક્સમાં ફેરફાર તેમજ પેન્શન ટેક્સ રાહતોમાં કાપ, કાઉન્સિલ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યૂટીના સ્થાને પ્રોપર્ટી ટેક્સ લાદવાની અફવાઓ છે. જોકે, કોરોનાની આર્તિક અસરને અનુલક્ષી લોકો પર ટેક્સનો વધુ બોજો લદાય તેની શક્યતા ઓછી જણાય છે.
• સ્ટેમ્પ ડ્યૂટી હોલિડેઃ હાઉસિંગ સેક્ટરમાં ઘણા લોકો ૩૧ માર્ચે સમાપ્ત થતી છ મહિનાની સ્ટેમ્પ ડ્યૂટી હોલિડેને લંબાવવા માગણી કરી રહ્યા છે. આ યોજના જાહેર કરાઈ ત્યારે વધુ કઠોર નેશનલ લોકડાઉન પગલાંની ચાન્સેલર સહિત કોઈએ ધારણા રાખી પણ નહિ હોય. હાઉસિંગ માર્કેટને ઉત્તેજન આપવા આ ટેક્સ રાહત લંબાવાય તેવી જરુરિયાત અને શક્યતા વધુ છે.
• ફર્લો સ્કીમને લંબાવવીઃ સમગ્ર મહામારી દરમિયાન ચાન્સેલરે કોરોના વાઈરસ જોબ રિટેન્શન (ફર્લો) સ્કીમના અંતની જાહેરાતો કરી પરંતુ, તેને પાછળથી લંબાવી પણ હતી. એપ્રિલના અંતમાં આ ફર્લો યોજના સમાપ્ત થાય છે. જો તેને લંબાવવી હોય તો માર્ચના આરંભે બજેટમાં જ તેની જાહેરાત યોગ્ય ગણાશે. હાલ તો ફર્લો અને બિઝનેસ લોન સ્કીમ્સ લંબાવાય તેવી શક્યતા વધુ છે.
• કેશ લેજિસ્લેશનઃ ગત વર્ષના બજેટમાં સરકારે રોકડની સુવિધા જળવાય તેના માટે કાયદો ઘડવાની ખાતરી આપી હતી. જોકે, આ કાયદો આવ્યો નથી જેના વિશે બજેટમાં સ્પષ્ટતા થઈ શકે છે.
• છેલ્લી ઘડીએ આશ્ચર્યજનક જાહેરાતઃ ચાન્સેલરો બજેટના અંતે કોઈ આશ્ચર્યજનક એટલે કે ‘કોથળામાંથી બિલાડું કાઢવા’ જેવી જાહેરાતો કરતા હોય છે. ચાન્સેલરે સમર બજેટની છેલ્લી ઘડીએ ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજના જાહેર કરી હતી. આ બજેટમાં પણ નવતર યોજના જાહેર થઈ શકે છે.