અઠંગ ઉઠાવગીર નરિન્દર કૌરના કારનામાઃ £500,000 ના સામાનની ઉઠાંતરી

બ્રિટિશ સ્ટોર્સમાંથી ચોરેલી આઈટમ્સ પર રિફન્ડ મેળવવાની 1,000 થી વધુ વખત ઠગાઈ

Tuesday 21st March 2023 06:09 EDT
 
 

લંડનઃ વિલ્ટશાયરની 53 વર્ષીય નરિન્દર કૌર ઉર્ફે નીના ટિઆરાએ બ્રિટનના સ્ટોર્સને 500,000 પાઉન્ડથી વધુ રકમનો ચૂનો લગાવ્યો છે. તેણે દેશના અનેક સ્ટોર્સમાંથી મોટા પાયે માલસામાનની ચોરી કરવાને પૂર્ણકાલીન કારકિર્દી બનાવી દીધી હતી. તેણે ચોરેલો સામાન સ્ટોર્સને પરત કરી તેના પર રિફન્ડ મેળવવાની અનોખી કાર્યપદ્ધતિ અપનાવી હતી અને તેમાં તે કદી પકડાઈ ન હતી. ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાર મહિનાની ટ્રાયલ પછી તેને 10 માર્ચે દોષિત ઠેરવાઈ હતી.

નરિન્દર કૌરે ફ્રોડમાં પકડાઈ ન જવાય તે માટે કાયદેસર નામ બદલી નીના ટિઆરા રાખ્યું હતું અને નવા નામે બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવા ઉપરાંત, ક્રેડિટ કાર્ડ્સ પણ મેળવ્યાં હતા. તેણે ચોરી કરવા ડડલી, સ્મેથવિક, ડ્રોઈટવિચ અને કિડ્ડેરમિન્સ્ટર સહિત સમગ્ર બ્રિટનમાં બૂટ્સના સ્ટોર્સની મુલાકાત લીધી હતી. તેણે બૂટ્સના સ્ટોર્સમાં માત્ર 5,172.73 પાઉન્ડનો ખર્ચ કરવાની સામે 60,787.09 પાઉન્ડનું રિફન્ડ મેળવ્યું હતું. આ જ રીતે તેણે ડેબેનહામ્સ સ્ટોર્સમાંથી માત્ર 3,681.33 પાઉન્ડનો ખર્ચ કરવાની સામે 42,853.65 પાઉન્ડનું રિફન્ડ, બર્મિંગહામ અને ટેમવર્થના જ્હોન લૂઈ સ્ટોર્સમાંથી 5,290.36 પાઉન્ડની ખરીદી કરવાની સામે 33,131.61 પાઉન્ડનું રિફન્ડ તેમજ ટેલ્ફર્ડ અને શ્ર્યુસબેરીના મોન્સુન સ્ટોર્સ અને હાઉસ ઓફ ફ્રેઝર સ્ટોર્સ પાસેથી અનુક્રમે 23,000 પાઉન્ડ અને 23,147.75 પાઉન્ડનું રિફન્ડ મેળવ્યું હતું. નરિન્દર કોરે હોમસેન્સ, હોમબેઝ અને ટીકે મેક્સના અલગ અલગ શહેરના સ્ટોર્સમાં નજીવી ખરીદીઓ કરવા સામે કુલ 37342.17 પાઉન્ડ રિફન્ડ તરીકે પડાવ્યાં હતાં.

તેણે વિલ્ટશાયર કાઉન્સિલ સાથે પણ 7,400 પાઉન્ડની છેતરપિંડી આચરી હતી. તે પોતાની સર્વિસીસના નાણા ચૂકવવા ચોરેલા ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરતી હતી અને પછી કાઉન્સિલ પાસે રિફન્ડ મેળવતી હતી. તેના કૌભાંડમાં એક પુરુષ સાથીદારનો સમાવેશ થયો હતો જેણે ચોરેલા ક્રેડિટ કાર્ડ્સનો દુરુપયોગ કરવામાં મદદ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન નરિન્દરના ઘરમાંથી છુપાવેલી આશરે 150,000 પાઉન્ડની રોકડ તેમજ ચોરાયેલા માલસામાન પણ મળી આવ્યા હતા.

નરિન્દર કૌરે જુલાઈ 2015થી ફેબ્રુઆરી 2019ના ચાર વર્ષના ગાળામાં હાઈ સ્ટ્રીટ શોપ્સ સાથે 1,000થી વધુ વખત છેતરપિંડી આચરી હોવાનું ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે જણાવ્યું હતું. તે સ્ટોર્સમાં પ્રવેશતી, અભરાઈઓ પરથી આઈટમ્સ લેતી અને તેમને ટિલ સુધી લઈ જતી CCTV કેમેરાઝમાં ઝડપાતી હતી. જોકે, તેણે પહેલા આ સામાન ખરીદ્યો હોવાનું ઠસાવતી હતી. આવું તેણે સેંકડો વખત કર્યું હોવાનું તેના એકાઉન્ટ્સની તપાસમાં બહાર આવ્યું હતું. વિલ્ટશાયરના ક્લેવરટોનની નરિન્દર કોરને જ્યુરીએ ફ્રોડ, ક્રિમિનલ પ્રોપર્ટીને ધરાવવા અને ટ્રાન્સફર કરવા અને ન્યાયને ગેરમાર્ગે દોરવા સહિત 26 ગુના માટે દોષિત ઠરાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter