અડધોઅડધ વર્કર્સ ઓફિસમાં પાંચ દિવસ કામ કરવા રાજી નથી

Wednesday 23rd September 2020 02:23 EDT
 
 

લંડનઃ યુકેમાં લોકડાઉનના નિયંત્રણો હળવાં કરાયા છે અને વર્કર્સને કામે જવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે ત્યારે નવા અભ્યાસ અનુસાર ૫૮ ટકા વર્કર્સ ઓફિસમાં સપ્તાહના પાંચ દિવસ કામ કરવા ઈચ્છુક નથી. તેમની દલીલ એવી છે કે ઘરમાં રહીને કામ કરવામાં તેમની પ્રોડક્ટિવિટી વધુ રહી છે. આ બાબતે ૩૦ ટકા બિઝનેસ અગ્રણીઓ પણ સંમત થાય છે કે ફેરફારોથી ઉત્પાદકતામાં વધારો જોવાં મળ્યો છે.

લાખો ઓફિસ વર્કર્સ માટે આવવા-જવાનો સમય બચી ગયો હોવાથી કામકાજની નવી વ્યવસ્થાથી તેમને નવી કુશળતા શીખવામાં કે શોખ માટે સમય મળ્યો હતો. બ્રોડબેન્ડ પ્રોવાઈડર TalkTalkના નવા સર્વેમાં આશરે ૪૦ ટકા વર્કર્સે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેમણે એજ્યુકેશનલ વિડીઓઝ નિહાળ્યા હતા અને ૧૬ ટકાએ ઓનલાઈન લર્નિંગ કોર્સીસમાં નોંધણી કરાવી હતી. આ ગાળામાં ઘેરથી કામ કરનારા દર ચારમાંથી લગભગ એક વર્કરે નવી ભાષા શીખવાનું શરુ કર્યું હતું અને આટલી જ સંખ્યામાં રસોઈની નવી પદ્ધતિઓ પણ શીખવા લાગ્યા હતા. આશરે ૧૫ ટકાએ કહ્યું હતું કે તેમણે બેકિંગ-રસોઈશાસ્ત્રમાં ખાંખાખોળાં કર્યા હતા અને ૧૩ ટકા ગાર્ડનિંગ વિશે શીખ્યા હતા.

સર્વે અનુસાર ગયા વર્ષની સરખામણીએ લોકડાઉનના ગાળામાં ઈન્ટરનેટનો ઉપયોગ ૪૦ ટકા વધી ગયો હતો અને નિયમો બદલાયા અને પબ્સ-રેસ્ટોરાં ફરી ખુલવાં છતાં, આ પ્રમાણ ઘટ્યું ન હતું. કંપની માને છે કે ઘેરથી કામ કરતો સ્ટાફ વધવા સાથે વધુ ભરોસાપાત્ર ઈન્ટરનેટની માગણી વધી જશે. બીજી તરફ, અડધાથી ઓછાં એથવા ૪૦ ટકા બિઝનેસ અગ્રણીઓએ કહ્યું હતું કે તેમણે એમ્પ્લોઈઝને ફોન અથવા હોમ બ્રોડબેન્ડ બિલ્સ માટે નાણાકીય મદદ કરી હતી. ચારમાંથી એક બિઝનેસીસે સ્ટાફના માનસિક આરોગ્ય અને વેલબીઈંગ એપ્સ માટે રોકાણ કર્યું હતું. ૪૫ ટકા બિઝનેસ અગ્રણીઓએ કહ્યું હતું કે કંપની દ્વારા મનોરંજન ખર્ચ ઘટવાની પણ આશા છે. ૬૨ ટકાએ કહ્યું હતું કે કામકાજ માટે અવરજવર પાછળનો ખર્ચ ઘટવા સાથે તેઓ હોમ વર્કિંગને અપગ્રેડ કરવાના ખર્ચમાં પણ નાણા બચાવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter