લંડનઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ૨૦૨૩માં ખુલ્લી મૂકાનારી ગ્રીન એનર્જી સંબંધિત ગેલેરીને સ્પોન્સર કરવાની કરાયેલી જાહેરાતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સાયન્સ મ્યુઝિયમના બે ટ્રસ્ટી, ડો. હાન્નાહ ફ્રાય અને ડો. જો ફોસ્ટરે એ અદાણી જૂથની કંપનીને સ્પોન્સર બનાવાયાના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. જોકે, મ્યુઝિયમ બોર્ડના અધ્યક્ષ ડેમ મેરી આર્ચરે તેમના રાજીનામા સ્વીકારી લીધા છે.
ગત સપ્તાહે યુકે સ્ટુડન્ટ ક્લાઈમેટ નેટવર્ક (UKSCN London)ના પર્યાવરણીય એક્ટિવિસ્ટો દ્વારા ૨૬ ઓક્ટોબરની સાંજે સાયન્સ મ્યુઝિયમ પર કબજો જમાવી મ્યુઝિયમના ફોસિલ ફ્યૂલ સ્પોનસર્સ- શેલ, બીપી અને અદાણીના અસરગ્રસ્તો માટે મિણબત્તી પ્રગટાવી વિરોધ કરાયો હતો. એક્ટિવિસ્ટોએ આક્ષેપ લગાવ્યો હતો કે મ્યૂઝિયમ ક્લાઈમેટ કટોકટીને આગળ વધારવામાં ફોસિલ ફ્યૂલ કંપનીઓની ભૂમિકાને નજરઅંદાજ કરે છે.
લંડન સાયન્સ મ્યુઝિયમે ગત મહિને ગ્રીન એનર્જીને લગતી એક ગેલરી શરૂ કરવાની જાહેરાત કરી હતી છે. આ ગેલેરીમાં ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે દુનિયા પરંપરાગત ઊર્જાથી હરિત ઊર્જા તરફ શિફ્ટ થવાની પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવશે. આ ગેલેરીમાં અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જીને ટાઈટલ સ્પોન્સર બનાવાઈ છે. જોકે, અદાણી જૂથ કોલસાની ખાણો અને તેને લગતી ઊર્જાના ક્ષેત્રમાં પણ સંકળાયેલું હોવાથી સાયન્સ મ્યુઝિયમના બે ટ્રસ્ટીઓ ડો. હાન્નાહ ફ્રાય અને ડો. જો ફોસ્ટરે આક્રમક વિરોધ કરીને રાજીનામા આપી દીધા હતા.
ડો. ફ્રાયે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, અમને અદાણી સાથેનો કરાર માન્ય નથી. અમને લાગે છે કે, મ્યુઝિયમે ઘણાં વાજબી કારણસર ફોસિલ ફ્યૂલ સ્પોન્સરશિપનો વિરોધ કરવો જોઈએ જેથી, તે પર્યાવરણીય કટોકટી માટે રાષ્ટ્રીય સ્તરના સંવાદમાં લીડર બની શકે.
અદાણીને ટાઈટલ સ્પોન્સર બનાવવાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં મ્યુઝિયમમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ વખતે કરાઈ હતી. આ સાયન્સ મ્યુઝિયમ બોર્ડ જાહેર એકમ છે, જેને બ્રિટિશ સરકારના સંસ્કૃતિ, મીડિયા અને ખેલ વિભાગ પાસેથી ફંડ મળે છે, પરંતુ તેનું સંચાલન સ્વતંત્ર રીતે થાય છે.