લંડન
અદાણી કટોકટીએ બ્રિટનમાં પ્રથમ રાજકીય ભોગ લીધો છે. યુકેના પૂર્વ કન્ઝર્વેટિવ મિનિસ્ટર અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના ભાઇ જો જ્હોન્સને અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી લંડનની ઇવેસ્ટમેન્ટ બેન્ક ઇલારા કેપિટલના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું હતું. જો જ્હોન્સન 2010થી 2019 સુધી સંસદસભ્ય રહ્યા હતા અને તેમણે ઓફિસ ઓફ ધ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુનિવર્સિટી, સાયન્સ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, મિનિસ્ટર ફોર લંડન અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ તરીકે ફરજ બજાવી હતી. 1 ફેબ્રુઆરીએ તેમણે ઇલારા કેપિટલના બોર્ડમાંથી રાજીનામુ આપ્યું હતું. તેઓ જૂન 2022માં ઇલારા કેપિટલના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. આ પહેલાં તેઓ ડિસેમ્બર 2022માં ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બિનાન્સના બોર્ડમાંથી રાજીનામુ આપી ચૂક્યા છે.
અદાણી ગ્રુપે બ્રિટિશ પેટા કંપનીઓના ઓડિટનું કામ બ્રિટન બહાર ખસેડી લીધું હતું
હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા અદાણી ગ્રુપે ગયા વર્ષે જ તેની બ્રિટિશ પેટા કંપનીઓના ઓડિટનું કામ બ્રિટન બહાર ખસેડી લીધું હતું. ત્યાં સુધી અદાણીના ઓડિટનું કામ યુકેની 10 સૌથી મોટી ઓડિટિંગ કંપનીઓ પૈકીની એક બીગ ફોર દ્વારા કરાતું હતું. અદાણીની બ્રિટિશ કંપનીઓ ભારતભરમાં આવેલા રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સના પોર્ટફોલિયો દ્વારા તૈયાર કરાઇ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ મુંબઇમાં લિસ્ટેડ છે અને 2021માં અદાણીએ આ કંપની સોફ્ટબેન્ક અને ભારતી એન્ટરપ્રાઇઝિસ પાસેથી ખરીદી હતી.


