અદાર પૂનાવાલા ઓક્સફર્ડ યુનિ.ને £૫૦ મિલિયન દાન આપશે

Wednesday 22nd December 2021 05:27 EST
 
 

લંડનઃ વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અને બિલિયોનેર અદાર પૂનાવાલાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીને રિસર્ચ કેમ્પસ સ્થાપવા ૫૦ મિલિયન પાઉન્ડ (૬૬.૨ મિલિયન ડોલર)ના દાનની બાહેંધરી આપી છે. વેક્સિન સંશોધન ક્ષેત્રમાં યુનિવર્સિટીને મળેલું આ સૌથી મોટું દાન છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે ભારતીય કંપની SII ના લાઈફ સાયન્સીસ યુનિટ મારફત આ રોકાણ કરાશે અને કંપનીના બિલિયોનેર માલિકના નામ પરથી સેન્ટરને પૂનાવાલા વેક્સિન્સ રિસર્ચ બિલ્ડિંગ નામ અપાશે. આ નવી ફેસિલિટીમાં ૩૦૦થી વધુ સંશોધક વિજ્ઞાનીઓ કાર્ય કરશે અને યુનિવર્સિટીના ચાવીરુપ વેક્સિન વિકાસ પ્રોગ્રામ્સને વધારવામાં મદદરુપ બનશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી, એસ્ટ્રેઝેનેકા અને વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક તેમજ વિશ્વના ગરીબ અને મધ્યમ આવકના દેશો માટે બ્રિટિશ કોવિડ-૧૯ વેક્સિન ડોઝના ઉત્પાદક SII વચ્ચે સહકારના પરિણામે આ દાન અપાયું છે. આ ઉપરાંત, SIIએ ઓક્સફર્ડ- એસ્ટ્રેઝેનેકા કોવિડ-૧૯ વેક્સિનની ચાવીરુપ સંસ્થા જેનર ઈન્સ્ટિટ્યૂટ સાથે જેનરના આખરી તબક્કાની ટ્રાયલમાં રહેલા R21/Matrix-M મેલેરિયા શોટ્સના વિકાસ અને મોટા પાયે ઉત્પાદન માટે પણ સમજૂતી સાધી છે.

ફોર્બ્સ અનુસાર અશ્વોનો ઉછેર કરનારાના પુત્ર અને ભારતમાં પાંચમા ક્રમના સૌથી ધનવાન સાયરસ પૂનાવાલાએ ૧૯૬૬માં પૂનામાં SIIની સ્થાપના કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ૨૦૧૯માં સાયરસને માનદ ડીગ્રી એનાયત કરી હતી. SIIનું સંચાલન તેમના પુત્ર અદાર પૂનાવાલા હસ્તક છે. અદારના પત્ની નતાશા પૂનાવાલા સિરમ લાઈફ સાયન્સીસના વડા છે. પૂનાવાલા દંપતીએ સપ્ટેમ્બરમાં કોવિડ-૧૯ વેક્સિન શોટ્સનું ઉત્પાદન કરતા પ્લાન્ટના વિકાસ માટે ઓક્સફર્ડ બાયોમેડિકામાં ૫૦ મિલિયન પાઉન્ડ (૬૬.૨ મિલિયન ડોલર)નું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter