લંડનઃ 8 વર્ષની અદિતિ શંકર યુકેનું પ્રથમ બાળક બની છે જેના શરીરમાં વિશેષ પ્રકારનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ વિશેષ ટ્રાન્સપ્લાન્ટમાં અદિતિને તેનું શરીર કિડની નકારી ન કાઢે તે માટે લાંબા સમય સુધી દવાઓ લેવી નહીં પડે. ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અદિતીના શરીરમાં નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં તેની ઇમ્યુન સિસ્ટમને રિપ્રોગ્રામ કરાઇ હતી. આ માટે તેમણે અદિતિની માતાના બોનમેરો સ્ટેમ સેલનો ઉપયોગ કર્યો હતો. તેનો અર્થ એ થયો કે અદિતિનું શરીર નવી કિડની સરળતાથી સ્વીકારી લેશે.
ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની નિષ્ફળ ન જાય તે માટે દર્દીએ લાંબા સમય સુધી હાઇડોઝની દવાઓ લેવી પડે છે અને તેની લાંબાગાળાની આડઅસરો પણ થતી હોય છે. પરંતુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયાના થોડા જ સપ્તાહમાં અદિતિને આ દવાઓથી મુક્ત કરી દેવાઇ હતી. હવે અદિતિ શાળામાં હાજરી પણ આપી રહી છે. તેની ઇમ્યુન સિસ્ટમ અને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની સામાન્ય રીતે જ કામ કરી રહ્યાં છે.
અદિતિ જિનેટિક વારસામાં મળતી ભાગ્યે જ જોવા મળતી શારીરિક ખામીથી પીડાતી હતી. તેના કારણે તેની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જતાં કિડની નિષ્ફળ ગઇ હતી.


