અદૃશ્ય થઈ રહેલી હાઈ સ્ટ્રીટ્સ

Wednesday 01st September 2021 06:50 EDT
 
 

લંડનઃ બ્રિટનની શાન ગણાવાયેલી હાઈ સ્ટ્રીટ્સ અદૃશ્ય થઈ રહી છે. રિટેઈલ સેક્ટરમાં ભારે પરિવર્તન આવ્યું છે અને મહામારી પછી મુશ્કેલી વધી છે. ૨૦૧૬માં BHSના પતન પછી ૮૩ ટકા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ બંધ થયા છે. પાંચ વર્ષ અગાઉ ૪૬૭ સ્ટોર્સ ખુલ્લાં હતા તેની સરખામણીએ હાલ માત્ર ૭૯ મુખ્ય સ્ટોર્સ ખુલ્લાં છે.હાઈ સ્ટ્રીટમાં દર સાતમાંથી એક દુકાન ખાલી-બંધ છે અને ઓનલાઈન શોપિંગ વધી રહ્યું છે ત્યારે બ્રિટિશ રિટેઈલ કોન્સોર્ટિયમ (BRC) હજુ વધુ દુકાનો બંધ થશે તેવી ચેતવણી આપે છે.

કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્ફોર્મેશન ફર્મ CoStar Groupનો અભ્યાસ કહે છે કે બે તૃતીઆંશથી વધુ બિલ્ડિંગ્સ હાલ ખાલી છે અને ૨૩૭ બિલ્ડિંગ્સ પર નવા બિઝનેસ કબજો જમાવી રહ્યા છે. ખાલી પડેલા બિઝનેસીસ સામે ૨.૯ બિલિયન પાઉન્ડનું ભાડું ચડેલું છે અને BRCના જણાવ્યા મુજબ બે તૃતીઆંશ રિટેલર્સ સામે કાનૂની કાર્યવાહીનું જોખમ છે. CoStar Groupના અભ્યાસમાં ૨૦૧૬ પછી BHS અને ડેબેનહામ્સ સહિત દેશની મુખ્ય બ્રાન્ડ્સને આવરી લેવાઈ હતી. જુલાઈમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ૨૦૧૬થી હાઈ સ્ટ્રીટ પરના સ્ટેર્સની સંખ્યા ૪૬૭થી ઘટીને માત્ર ૭૯ની રહી છે જેમાં, ૨૩૭ ખાલી અને અન્ય બિઝનેસમાં જવાની યોજના ધરાવતા ૫૨ (બાવન) સ્ટોર્સ સહિત ૩૮૮ સ્ટોર બંધ હાલતમાં છે. કોસ્ટાર ગ્રૂપના જણાવ્યા મુજબ પાંચ વર્ષ પહેલા ક્લોધિંગ ચેઈન BHSનું પતન થયું તે પછી તેના જૂના સ્ટોર્સના ૨૫ ટકા આજે પણ ખાલી પડ્યા છે. હાઈ સ્ટ્રીટમાંથી દુકાનો બંધ થવાથી સ્કોટલેન્ડની રાજધાની એડિનબરાને ભારે ઝટકો લાગ્યો છે.

સ્કોટલેન્ડના સરહદી ટાઉન ડમ્ફ્રીઝ ખાતે જૂનો ડેબેનહામ્સ સ્ટોર ખાલી પડ્યો છે. સ્થાનિક લોકો તેને ખરીદી ત્યાં સિનેમા અથવા ફૂડ કોર્ટ બાંધવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ, નાણાભંડોળની મુશ્કેલી છે. યુકેમાં એક સમયે ૧૫૦થી વધુ સ્ટોર્સ ધરાવતી ચેઈન ડેબેનહામ્સનું મે મહિનામાં આખરી પતન થયું છે અને ગત થોડા વર્ષમાં ખાલી પડી રહેનારા હાઈ સ્ટ્રીટ સ્ટોર્સના સૌથી ખરાબ કેસમાં એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter