અધધ એવા 42 બિલિયન પાઉન્ડના બાકી કરવેરાની વસૂલાતમાં સરકાર નિષ્ફળ

ટેક્સની પૂરી વસૂલાત થાય તો સરકારને ટેક્સમાં વધારો કરવાની જરૂર જ ન પડે

Wednesday 18th January 2023 06:39 EST
 
 

લંડન

સાંસદોના એક જૂથ દ્વારા આરોપ મૂકાયો છે કે સરકાર 42 બિલિયન પાઉન્ડના વણચૂકવાયેલા ટેક્સની વસૂલાત કરવામાં નિષ્ફળ રહી છે. એક રિપોર્ટમાં કોમન્સ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ જણાવ્યું છે કે સરકાર દર વર્ષે કુલ ટેકસના પાંચ ટકા વસૂલવામાં નિષ્ફળ રહી છે. સાંસદોએ આરોપ મૂક્યો છે કે ટેક્સ વસૂલાતના આ કૌભાંડને અટકાવવા સરકારને કોઇ રસ હોય તેમ લાગી રહ્યું નથી.

કોવિડ સપોર્ટ સ્કીમોમાં થયેલા ફ્રોડ અને ભૂલોના કારણે સરકારને અંદાજિત 4.5 બિલિયન પાઉન્ડનું નુકસાન થયું છે. સરકાર ફક્ત તેની 25 ટકા રકમની જ વસૂલાત કરી શકી છે. કમિટીના અધ્યક્ષ લેબર સાંસદ મેગ હિલિયરે જણાવ્યું હતું કે અત્યારે સરકારને નાણાની તાતી જરૂર છે ત્યારે જ આ ટેક્સની વસૂલાત થઇ રહી નથી. સરકારે 42 બિલિયન પાઉન્ડ જેવી મોટી રકમની વસૂલાત કરવાની છે. આટલી મોટી રકમથી સરકારના મોટાભાગના ખર્ચનો હિસ્સો ભરપાઇ થઇ  શકે છે. બીજીતરફ વડાપ્રધાન સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટ કહી રહ્યાં છે કે સરકારની તિજોરીને 50 બિલિયન ડોલરની તાતી જરૂર છે તેના કારણે કરવેરામાં વધારો અને જાહેર ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર છે.

એચએમઆરસી દ્વારા 2121-22ના નાણાકીય વર્ષમાં કરવેરા અને જકાત પેટે 731.1 બિલિયન જેટલી રેકોર્ડ રકમની વસૂલાત કરવામાં આવી હોવા છતાં હજુ 42 બિલિયન ડોલરની વસૂલાત બાકી છે. કમિટીના પ્રવક્તા લિબરલ ડેમોક્રેટિક સાંસદ ક્રિસ્ટિન જાર્ડિને જણાવ્યું હતું કે, મંત્રીઓએ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આ સરકાર તેની અક્ષમતાઓના કારણે મોટી રકમ ગુમાવી રહી છે. કરવેરાની વસૂલાતમાં સરકારે ગંભીર પગલાં લેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter