બ્રિટનના એક ખેડૂત દંપતી પોતાના ખેતરમાં અવારનવાર શાકભાજીનો પાક લેતા રહે છે. જોકે એસ્ટિડના આ ખેડૂત દંપતીના ખેતરમાં આ વખતે પાકેલું મહાકાય પમ્પકિન (કોળુ) લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પમ્પકિન ત્રણ મદનિયાના વજન બરોબર કહી શકાય તેવું 390 કિલો વજન ધરાવે છે. આમ તો એટલાન્ટિક કિનારે મોટા કદના પમ્પકિનની ખેતી નવાઇની વાત નથી, પરંતુ ખેડૂત દંપતીએ એવી કલ્પના નહોતી કરી કે આટલા મોટા કદનું કોળુ પાકશે. આ દંપતીએ હવે માલવર્ન ખાતે યોજાનારા નેશનલ જાયન્ટ વેજિટેબલ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ પમ્પકિનને સ્પર્ધાના સ્થળ સુધી પહોંચાડવા ક્રેનનો આશરો લેવો પડશે તે નક્કી છે. ગિનીસ વર્લ્ડ રેકર્ડ મુજબ બે વર્ષ પૂર્વે 2023માં કેલિફોર્નિયામાં 1,246.9 કિલો વજનનું પમ્પકિન પાક્યું હતું.


