લંડનઃ વિશ્વના સૌથી મોંઘા અને ખર્ચાળ લગ્નના કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સ્લાઉ સ્થિત કન્ટ્રી ક્લબમાં ટુ મન્થ આફ્ટર પાર્ટીનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ પાર્ટીમાં ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી પણ સામેલ થાય તેવી સંભાવના છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તમામ વિધિઓ સમાપ્ત થઇ ચૂકી છે અને હવે તેમના હનીમૂનનો સમય શરૂ થયો છે ત્યારે નવદંપતી બર્કશાયર સ્થિત સ્ટોક પાર્ક ખાતે સપ્ટેમ્બર સુધી રહેવાનો નિર્ણય કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવદંપતીની વિશ્વના અગ્રણી અને અમીરો સાથેની મુલાકાતોના સિલસિલાનો અંત આવ્યો નથી. યુકેમાં તેમના રોકાણ દરમિયાન બોરિસ જ્હોન્સન અને ટોની બ્લેર પરિવાર તેમની મુલાકાત લે તેવી સંભાવના છે. એમ પણ માનવામાં આવે છે કે પ્રિન્સ હેરી પણ તેમની મુલાકાત લઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્લાઉમાં અંબાણી દંપતીએ બે મહિના માટે સેવન સ્ટાર હોટેલનું બુકિંગ કરાવી દીધું છે. સપ્ટેમ્બર સુધી યોજાનારી વિવિધ પાર્ટીઓમાં નવદંપતી ઉપરાંત તેમના પરિવારો પણ સામેલ થશે. સ્ટોક પાર્ક ઐતિહાસિક દ્રષ્ટિએ ગ્રેડ ટુ ધરાવતું સ્થળ છે. આ ક્લબમાં 850 સભ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળ અનંત અંબાણીના પિતા મુકેશ અંબાણીની માલિકીનું છે. મુકેશ અંબાણીએ 2021માં આ સ્થળ 57 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું.


