લંડનઃ લંડનની એક ટેલિમાર્કેટિંગ કંપનીને 13 મહિનાના સમયગાળામાં 80,000 કરતાં વધુ અનિચ્છનીય કોલ કરવા માટે 1 લાખ પાઉન્ડનો દંડ કરાયો છે. ઇન્ફર્મેશન કમિશ્નર ઓફિસ (આઇસીઓ) દ્વારા લંડન સ્થિત ડીઆર ટેલિમાર્કેટિંગ લિમિટેડ અને કાર્ડિફ સ્થિત આઉટસોર્સ સ્ટ્રેટેજિસ લિમિટેડને 2,40,000 પાઉન્ડનો દંડ કરાયો છે. આ બંને કંપનીઓએ ફેબ્રુઆરી 2021થી માર્ચ 2022 વચ્ચે 1.43 મિલિયન કોલ્સ કરાયાં હતાં. કંપનીઓએ જેમને કોલ કર્યા હતા તે તમામ યુકેના ડુ નોટ કોલ રજિસ્ટર પર નોંધાયેલા હતા.
આઇસીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે, બંને કંપનીઓ વિશેષ રીતે વૃદ્ધો અને નબળાં લોકોને ટાર્ગેટ કરતી હતી. 76 લોકોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીના કોલર્સ દ્વારા તેમની સાથે આક્રમક વ્યવહાર કરાતો હતો અને તેમના પર પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરાતું હતું.
આઇસીઓએ જણાવ્યું હતું કે, કંપનીઓ દ્વારા નફો વધારવા માટે નબળાં લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હતાં. તપાસમાં પાંચ લોકો અને આઠ કંપનીઓ જાણીજોઇને અનિચ્છનિય કોલ્સ કરવામાં ઓછા વત્તા પ્રમાણમાં સંડોવાયેલાં માલૂમ પડ્યાં હતાં.


