લંડનઃ અનિયંત્રિત ઇમિગ્રેશન વકીલો સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં હોવાના પુરાવા સામે આવતાં સરકારે હવે તેમની સામે કડક પગલાં લેવા ઇમિગ્રેશન એડવાઇઝ ઓથોરિટીને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડર સિક્યુરિટી, અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલમાં કરાયેલા સુધારા અનુસાર ઓથોરિટીને ગેરરિતી આચરી રહેલા એડવાઇઝર્સને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને 15,000 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાની સત્તા અપાશે.
ઇમિગ્રેશન એક અલગ પ્રકારનો પ્રેકટિસ એરિયા છે. જે લોકો ક્વોલિફાઇડ લોયર્સ નથી તેઓ આઇએએમાં નોંધણી કરાવ્યા બાદ જ આ સેક્ટરમાં એડવાઇઝર તરીકે કામ કરી શકે છે. નોંધણી વિના આ પ્રકારની સેવા આપવી ક્રિમિનલ અપરાધ છે અને તે માટે જેલની સજા પણ થઇ શકે છે. હવે નવા કાયદામાં આઇએએને વધુ સત્તા આપવામાં આવી રહી છે જેથી તે ઝડપથી પગલાં લઇ શકે.