અનિલ અંબાણીનો દાવો હું નાદાર છુંઃ કોર્ટે કહ્યું ગમે તે કરો ૧૦૦ મિલિયન ડોલર જમા કરાવો

Saturday 15th February 2020 05:46 EST
 
 

લંડનઃ યુકેની અદાલતે શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના વડા અનિલ અંબાણીને છ સપ્તાહમાં ૧૦૦ મિલિયન ડોલર (૭,૧૫,૧૬,૦૦૦૦૦ રૂપિયા) જમા કરવાનો આદેશ આપ્યો છે. ચીનની ટોચની ત્રણ બેન્કો ધ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડની મુંબઈ બ્રાંચ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાએ અનિલ અંબાણી વિરુદ્ધ ૬૮૦ મિલિયન ડોલરની નહિ ચૂકવાયેલી લોન્સની વસૂલાતનો દાવો માંડ્યો છે. અંબાણીના વકીલોએ રજૂઆત કરી હતી કે તેઓ એક સમયે શ્રીમંત બિઝનેસમેન હતા પરંતુ તેમની પાસે હવે કોઈ ફંડ ન હોવાથી તેઓ નાદાર છે.
ચાઈનીઝ બેંકોએ દાવો કર્યો છે કે અનિલ અંબાણીએ ફેબ્રુઆરી ૨૦૧૨માં જૂનાં દેવાં ચુકવવા ૯૨૫ મિલિયન ડોલરની રિફાઈનાન્સ લોન લીધી હતી, લોન કરારમાં અપાયેલી વ્યક્તિગત ગેરંટીનો ભંગ કર્યો છે. ૬૦ વર્ષીય અનિલ અંબાણીએ આવી કોઈ ગેરંટી આપ્યાનો ઈનકાર કર્યો હતો. ઇંગ્લેંડ અને વેલ્સની હાઈ કોર્ટના કોમર્શિયલ ડિવિઝનમાં ચાલેલા કેસમાં અંબાણીના વકીલોએ એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નાટકીય ફેરફારોના પગલે અંબાણીની સંપત્તિ ૨૦૧૨થી સતત નીચે આવી રહી છે અને તેઓ નાદાર છે. ૨૦૧૨માં અનિલ અંબાણીના રોકાણોની વેલ્યૂ ૭ બિલિયન ડોલર હતી જે હવે ૮૯ મિલિયન ડોલર રહી ગઈ છે. જો એમની લાયાબિલિટીઝને ધ્યાનમાં રાખવામાં આવે તો તેમની નેટ વર્થ ઝીરો છે.
કોર્ટના ન્યાયમૂર્તિ ડેવિડ વેક્સમેને અંબાણીને ૧૦ કરોડ ડોલર જમા કરવાની છ સપ્તાહની સમય મર્યાદા આપતા કહ્યું હતું કે તેઓ અંબાણીની આવક લગભગ શુન્ય છે અથવા તેમનો પરિવાર કટોકટીની સ્થિતિમાં તેમને મદદ કરશે નહિ તેવી બચાવપક્ષની કરાયેલી દલીલો માની શકતા નથી. જસ્ટિસ વેક્સમેને અંબાણીએ ભારતમાં નાદારીની અરજી કરી છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.
બેન્કોના વકીલોએ અંબાણીની વૈભવી જીવનશૈલીના ઉલ્લેખમાં જણાવ્યું હતું કે તેમની પાસે ૧૧ કે તેથી વધુ લક્ઝરી કાર, ખાનગી જેટ, એક યાટ અને દક્ષિણ મુંબઇમાં એક વિશિષ્ટ સી વિન્ડ પેન્ટહાઉસ છે. અનિલ અંબાણીનાં મોટા ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક તેમજ ૫૫ થી ૫૭ બિલિયન ડોલરની અંદાજિત નેટવર્થ સાથે ફોર્બ્સની યાદીમાં વિશ્વનાં ૧૩મા ક્રમાંકના સૌથી ધનિક વ્યક્તિ હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter