લંડનઃ યુકેની મુલાકાત દરમિયાન મંગળવાર અને બુધવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમી સાથે મુલાકાત કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે લેમી સાથેની મંત્રણામાં બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરાર, વ્યૂહાત્મક સંકલન અને રાજકીય સહકાર સહતિના તમામ પ્રકારના દ્વિપક્ષીય સંબંધના મુદ્દા સામેલ હતા. કેન્ટમાં ચેવેનિંગ હાઉસ ખાતેની વિસ્તૃત મંત્રણા ફળદાયી રહી હતી. અમે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા માટેના પગલાં પર પણ સહમત થયાં હતાં.
જયશંકરે જણાવ્યું હતું કે, અમે યુક્રેન-રશિયા યુદ્ધ, પશ્ચિમ એશિયા, બાંગ્લાદેશ અને કોમનવેલ્થ સહિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મંતવ્યોની આપ-લે કરી હતી. અનિશ્ચિત અને તોફાની વૈશ્વિક પ્રવાહોમાં ભારત અને યુકેના સંબંધ સ્થિરતા અને સમૃદ્ધિનું યોગદાન આપે છે. આપણી ટેલેન્ટ અને પીપલ ટુ પીપલની આપ-લેની અભિવ્યક્તિ ભારત અને યુકેના સંબંધોની ગવાહી આપે છે.
યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના મજબૂત સંબંધ મહત્વના છે. હું વિદેશમંત્રી બન્યો ત્યારબાદ સૌથી પહેલાં મેં ભારતની મુલાકાત લીધી હતી. ડો. જયશંકર અને હું ભારત અને યુકે વચ્ચેના 41 બિલિયન પાઉન્ડના વેપાર સંબંધોને વધુ ઉર્જાવાન બનાવવા માગીએ છીએ. આપણી મહત્વાકાંક્ષાઓથી બંને દેશના અર્થતંત્રને લાભ થશે.


