અની હત્યાકેસઃ શ્રીયેન દેવાણી આરોપમુક્ત

જજે કેસ ફગાવી દેવાની બચાવપક્ષની અરજી સ્વીકારીઃ પૂરતા પુરાવાનો અભાવ મુખ્ય કારણ

Tuesday 09th December 2014 07:50 EST
 
 

શ્રીયેન સામેનો કેસ ફગાવી દેવાની બચાવ પક્ષની અરજી સ્વીકારતો નાટ્યાત્મક ચુકાદો જજે આપતાં શ્રીયેન દેવાણીના પરિવારના ચહેરા પર ખુશી અને રાહતનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ શ્રીયેને કોઈ લાગણી દર્શાવી ન હતી. બીજી તરફ, અની દેવાણીના પરિવારજનો આંખમાં આંસુ સાથે કોર્ટ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.

અનીની બહેન એમી ડેન્બોર્ગે લાગણીભર્યા સ્વરે કહ્યું હતું કે અમે આ ન્યાયપદ્ધતિથી નિરાશ થયા છીએ. જ્યારે અનીના કાકા અશોક હિન્ડોચાએ કહ્યું હતું કે મિલિયોનેર શ્રીયેન દેવાણીએ પુરુષ વેશ્યાઓ સાથે ગુપ્ત સંબંધોનો સ્વીકાર કર્યો છે ત્યારે હિન્ડોચા પરિવાર તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું પગલું ભરી શકે છે.

શ્રીયેન દેવાણીએ અન્યો સાથે મળીને પત્ની અનીની હત્યાનું કાવતરું ઘડ્યાનો સતત ઈનકાર કર્યો છે. અનીની હત્યા સંદર્ભે ટેક્સી ડ્રાઈવર ટોન્ગો, મ્ઝિવામાડોડા ક્વાબે અને ગનમેન ઝોલિલે મ્નજેનીને સજા કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર શ્રીયેન દેવાણી મંગળવારની રાત્રે જ ખાનગી વિમાનમાં બ્રિટન પરત જવા નીકળે તેવી ધારણા છે.

અમને સત્ય કે ન્યાય મળ્યા નથીઃ હિન્ડોચા પરિવાર

અની દેવાણી હત્યાકેસમાં તેનો પતિ શ્રીયેન આરોપમુક્ત જાહેર કરાતા હિન્ડોચા પરિવાર નિરાશ થઈ ગયો છે. અનીની બહેન એમી ડેન્બોર્ગે ચુકાદા પછી જણાવ્યું હતું કે અમે ચુકાદાથી તદ્દન નિરાશ થયાં છીએ. અમે અહી સવાલોના જવાબ જાણવા આવ્યા હતા, પરંતુ વધુ સવાલો જ મળ્યા છે. ચાર વર્ષ પહેલાં અની સાથે ખરેખર શું થયું હતું તે જાણવા અમે આટલાં વર્ષ રાહ જોઈ હતી. અમને સત્ય જાણવા મળ્યું નથી કે ન્યાય પણ મળ્યો નથી. અમને શ્રીયેનના બેવડાં જીવન વિશે જાણવા મળ્યું નથી.

જજ ટ્રાવર્સોના ચુકાદા પછી અનીના ભાઈ અનીશ, માતા નીલમ સહિતનો હિન્ડોચા પરિવાર રડી પડ્યો હતો. અનીશ ૨૫ દિવસની આ ટ્રાયલમાં સતત હાજર રહીને માતાપિતાને સપોર્ટ આપતો રહ્યો હતો. અમીએ કહ્યું હતું કે અમે ચાર વર્ષ નિદ્રાહીન રાતો ગુજારી છે અને હવે જિંદગીભર ગુમાવીશું.

અનીના કાકા અશોક હિન્ડોચાએ મેઈલઓનલાઈનને જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ ઘટના જાણવાનો ઈનકાર કરાયો છે. આરોપી દ્વારા બચાવની રજૂઆત વિના જ ટ્રાયલનો અંત આવી જતાં આ કેસમાં રસ દર્શાવનારા સાઉથ આફ્રિકા, યુકે સહિતના લોકો અનીનાં મૃત્યુ સાથે સંકળાયેલી ઘટનાઓ વિશે જાણવાથી વંચિત રહેશે.

પ્રોસિક્યુશન પક્ષ અત્યંત નબળોઃ જજ

જજ જેનેટ ટ્રાવર્સોએ સ્પષ્ટ કહ્યું હતું કે પ્રોસિક્યુશન પક્ષ અપરાધીને સજા કરાવવા જે સ્તર હોવું જોઈએ તેનાથી ઘણે નીચે ઉતરી ગયો હતો. મુખ્ય સાક્ષીની જુબાની એટલી નબળી કક્ષાની હતી કે જૂઠાણાનો અંત ક્યારે આવે છે અને સત્ય ક્યાં શરૂ થાય છે એ તેમને આ કેસમાં જાણવા જ મળ્યું નથી.

જજે કહ્યું હતું કે ગુનાની કબૂલાતની સોદાબાજી અંગે શ્રીયેન દેવાણી સામે જુબાની આપનારા ટોન્ગોએ પૂરા પાડેવા પુરાવા સંખ્યાબંધ વિરોધાભાસોથી છવાયેલાં છે. અન્ય બે હત્યારાઓની જુબાની પણ ટોન્ગો સાથે વાતચીતોના દરેક પાસાને ખોટો ઠરાવે છે. પ્રોસિક્યુટરોએ સ્વીડનમાં ઉછરેલી અની સાથેના સંબંધોથી અળગા થવા બાઈસેક્સ્યુઅલ શ્રીયેન દેવાણીએ ઘણા સમય અગાઉ અની પરના હુમલામાં તેનું મોત થાય અને પોતે ઈજા વિના નાસી છૂટે તે પ્રકારનું આયોજન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, જજ ટ્રાવર્સોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સજા કરાયેલા ત્રણ અપરાધીઓની જુબાનીઓ અનેક ભૂલ, જૂઠાણાં અને વિસંગતતાઓ સાથે અસંભાવનાઓથી ભરપૂર છે.

સાઉથ આફ્રિકન સત્તાવાળા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શક્ય

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શ્રીયેન દેવાણી હવે પત્નીને માર્ગમાંથી હટાવવાના હેતુ માટે તેની સેક્સ્યુઆલિટીના ઉપયોગનો પ્રયાસ કરવા બદલ સાઉથ આફ્રિકન સત્તાવાળાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકે છે. ટ્રાયલ દરમિયાન મુખ્ય દલીલો જજે તોડી પાડવા છતાં આટલો નબળો કેસ શા માટે કોર્ટમાં લવાયો તેની ટીકા પણ નિષ્ણાતો કરી રહ્યા છે. જોકે, નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટીના નાથી ન્ક્યૂબે ચાર વર્ષ સુધી દેવાણીના કેસની પાછળ પડી જવાના ડિપાર્ટમેન્ટના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેવાણીને કોર્ટે છોડી મૂકવા છતાં તેની આસપાસ શંકા છવાયેલી જ રહેશે. તેમણે મેઈલઓનલાઈનને જણાવ્યું હતું કે જજે દેવાણી નિર્દોષ હોવાનું કહ્યું નથી. તેમણે ક્યારેય આમ કહ્યું નથી. તેની સામેના પુરાવા ગુનેગાર ઠરાવવા માટે પૂરતાં ન હોવાનો જ મત તેમણે આપ્યો છે. તેણે જુબાની આપી નથી. જો તેણે સોગંદ હેઠળ જુબાની આપી હોત અને કોર્ટે તેની વાત સાચી માની હોત તો અલગ જ સ્થિતિ હોત. હવે સાક્ષીઓની જુબાની સિવાય સાચી વાત શું હતી તે અમે પણ જાણતા નથી.

શ્રીયેનના પરિવારમાં ખુશીની લહેર

અની દેવાણીની હત્યાના કાવતરાનો કેસ પૂરતા પુરાવાના અભાવે ફગાવી દેવાનો ચુકાદો જજે સંભળાવતાની સાથે જ શ્રીયેનના પિતા પ્રકાશ દેવાણી, બહેન પાયલ સહિત પરિવારજનોના ચહેરા ખુશીના આંસુથી છલકાયા હતા. તેના ભાઈ પ્રેયનના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. માતા સ્નિલા દેવાણી છેલ્લાં આઠ મહિનાથી જાળવી રાખેલી સ્વસ્થતા પછી લાગણીસભર જોવા મળતાં હતાં.

જજ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો તે દરમિયાન શ્રીયેન દેવાણીને આરોપીના કઠેડામાં ઉભો રખાયો ત્યારે અનીના પિતા વિનોદ હિન્ડોચા તેને ઘૃણાથી નિહાળતા નજરે પડ્યા હતા. ચાર વર્ષથી દેવાણીને દક્ષિણ આફ્રિકા લાવવા સતત પાછળ પડી ગયેલા ડિટેક્ટિવ કેપ્ટન પોલ હેન્ડ્રિક્સની આંખમાં પણ આ ચુકાદાથી આંસુ આવી ગયા હતા.

દક્ષિણ આફ્રિકાની ન્યાયપદ્ધતિ પર પ્રેયન દેવાણીનો પ્રહાર

શ્રીયેન દેવાણીના ભાઈ પ્રેયન દેવાણીને સાઉથ આફ્રિકાની પોલીસ અને ન્યાય પદ્ધતિ પર ટીકા કરતા તેને રેકોર્ડ કરી લેવાયા હતા. બીજી તરફ, અનીના ભાઈ અનીશ હિન્ડોચાએ ઘટનાની સંપૂર્ણ વિગતો જાણવા મળે તે માટે કેપ ટાઉનમાં ટ્રાયલ ચાલુ રાખવા જજ ટ્રાવર્સોને અનુરોધ પણ કર્યો હતો. અનીના મૃત્યુ પછી થોડાં સમયમાં જ તેના પરિવારે ગુપ્ત રીતે પ્રેયનની વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. પ્રેયન દેવાણીએ પરિવારને એમ કહ્યું હોવાનું કહેવાય છે કે સાઉથ આફ્રિકાની પોલીસ અને ન્યાય પદ્ધતિ પર વિશ્વાસ રાખી શકાય નહિ. અહીં કશું જ સામાન્ય નથી. આ તો દક્ષિણ આફ્રિકાની પોલીસ છે. આપણે સાઉથ આફ્રિકા સાથે કામ પાર પાડવાનું છે. આ સ્વીડન કે યુકે નથી, જ્યાં પોલીસ અને કોર્ટ સિસ્ટમ મજબૂત હોય. આ તો ‘કાળિયા’ લોકો છે.’ પ્રેયન દેવાણીએ એવું કહ્યું હોવાનું મનાય છે કે દેશના પ્રવાસન ઉદ્યોગનું રક્ષણ કરવા માટે તેમણે બ્રિટિશ બિઝનેસમેન વિરુદ્ધ આંગળી ચીંધવા દેવાણીના કથિત સહયોગીઓ પર દબાણ કર્યું હતું. આફ્રિકા અસલામત હોવાનું સ્પષ્ટ કરતી લૂંટફાટ પરથી ધ્યાન અન્યત્ર વાળવા માટે રાજકારણીઓએ દબાણ કર્યાનું કેસ સાથે સંકળાયેલા ડિટેક્ટિવોએ તેને કહ્યાનું પ્રેયને જણાવ્યું હતું. નવેમ્બર ૨૨, ૨૦૧૦ની પારિવારિક બેઠકમાં ગુજરાતીમાં વાતો થઈ હતી. અનીની કઝીન દ્વારા તેનું ગુપ્ત રેકોર્ડિંગ કરી લેવાયું હતું, જેની ટ્રાન્સ્ક્રીપ્ટ કોર્ટમાં પણ રજૂ કરાઈ હતી.

રીવાના પેરન્ટ્સે સંપૂર્ણ ટ્રાયલની તરફેણ કરી

રીવા સ્ટીનકેમ્પના માતાપિતા જૂન અને બેરી સ્ટીનકેમ્પે અની દેવાણીના દુઃખી માતાપિતાને સાંત્વના આપવા સાથે શ્રીયેન દેવાણી સામે હત્યાની સંપૂર્ણ ટ્રાયલ ચલાવાય અને તે કોર્ટ સમક્ષ જુબાની આપે તેની તરફેણ કરી હતી. બન્ને પગ ગુમાવ્યા હોવા છતાં ૨૦૧૨ના લંડન પેરાલિમ્પિક્સ અને ઓલિમ્પિક્સમાં સ્પર્ધા કરીને ઈતિહાસ સર્જનાર એથ્લીટ ઓસ્કાર પિસ્ટોરિયસે તેની પ્રેયસી રીવાને ઠાર મારી હતી. કેસની સુનાવણી દરમિયાન પિસ્ટોરિયસે બચાવમાં કહ્યું હતું કે ઘરમાં કોઈએ ઘૂસણખોરી કર્યાનું માનીને તેણે ગોળી ચલાવી હતી, જે અકસ્માતે રીવાને વાગી હતી.

તેને હત્યાના ગુનામાં નિર્દોષ ઠરાવાયો હતો, પરંતુ કલ્પેબલ હોમીસાઈડમાં દોષિત જણાતા તેને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. પિસ્ટોરિયસ વિરુદ્ધનો કેસ ૨૪ કલાક બાદ પુનઃ ઉખેળવામાં આવ્યો હતો. દેવાણી બાબતમાં પણ આવું કશું થઈ શકે છે.

પિસ્ટોરિયસ અને દેવાણીના કેસમાં ઘણી સમાનતા છે. બન્ને ઘટના દક્ષિણ આફ્રિકાની છે. અની અને રીવાના પાર્ટનર દ્વારા તેમની હત્યા થયાનું કહેવાય છે. ચાર ગોળી મારવા છતાં રીવાનો પાર્ટનર નિર્દોષ છૂટ્યો હતો, જ્યારે શ્રીયેન દેવાણી પણ પત્ની અનીની હત્યામાં શકમંદ કાવતરાખોર હોવા છતાં તેને નિર્દોષ છોડાયો છે. શ્રીયેન અને પિસ્ટોરિયસ બન્નેએ ગુનામાં સંડોવણીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter