અનીની હત્યા પછી દેવાણી અને ટોન્ગો વચ્ચે મુલાકાત

Friday 05th December 2014 06:54 EST
 
 

ટોન્ગોએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે દેવાણીએ કામ પુરું થયું કે નહિ તેની જાણ થયા વિશે વારંવાર પૂછપરછ કરી હતી. ટોન્ગોના કહેવા મુજબ પાછલી રાતે બનાવટી કાર અપહરણ પછી તેની પત્નીનું શું થયું તે વિશે દેવાણીએ પ્રશ્નો કર્યા હતા. જોકે, દેવાણીનું કહેવું છે કે તેને આ સમયે અનીના મોતની જાણકારી ન હતી અને આ વાતચીત માત્ર મૈત્રીપૂર્ણ હતી. આ વિડીઓમા અવાજ ન હોવાથી તેમના વચ્ચે શું વાતચીત થઈ હતી તે જાણી શકાયું નથી.

દેવાણીને ફસાવી દીધાની ટોન્ગોની બડાશો
બીજી તરફ, બચાવપક્ષના વકીલોના જણાવ્યા મુજબ જેલમાં રહેલા ટોન્ગોએ તેના સહકેદી સમક્ષ દેવાણીને ફસાવી દીધા અને બલિનો બકરો બનાવ્યાની બડાશો લગાવી હતી. આ કેદી કોર્ટ સમક્ષ સાક્ષીની જુબાની આપનાર છે. વકીલોએ દાવો કર્યો હતો કે અપહરણ અને બાનની રકમની યોજના ભાંગી પડતાં ડ્રાઈવર ટોન્ગો અને બે હત્યારાએ દેવાણીને પત્નીની હત્યામાં ફસાવી દીધો હતો. આજીવન કેદી ’બીનો’ બર્નાડ મિચેલે દાવો કર્યો હતો કે ઓક્ટોબર ૨૦૧૧માં નજીકની કોટડીમા હતા ત્યારે અની દેવાણીના અપહરણ પછી તેના ધનવાન પતિ પાસેથી બાનની રકમ માગવાની યોજના એક અપહરણકારે તેના પર બળાત્કારનો પ્રયાસ કરતા હત્યામાં પરિણમી હોવાની કબૂલાત ટોન્ગોએ કરી હતી. દેવાણી સાઉથ આફ્રિકામાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કાનૂની યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે બીનોએ આ કબૂલાત સાથે દેવાણીના વકીલોનો સંપર્ક કર્યો હતો.

હત્યામાં ભૂમિકા બદલ મધ્યસ્થી સામે પણ કાર્યવાહી
હત્યારાઓ સાથે ટેક્સી ડ્રાઈવરની મુલાકાત અને શસ્ત્રોની વ્યવસ્થા કરનારા હોટેલ રીસેપ્શનીસ્ટ મોન્ડે મ્બોલોમ્બોએ પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમ જજ ટ્રાવર્સોએ જણાવ્યું હતું. હત્યારા ઝોલિલે મ્નજેનીના કેસમાં પૂરાવા આપવા બદલ મોન્ડેને હત્યાના કાવતરાની સજામાંથી માફી અપાઈ હતી. બચાવપક્ષ દ્વારા ઉલટતપાસમાં મ્બોલોમ્બોએ કેટલીક વિગતો છૂપાવી હોવાનું પણ બહાર આવ્યું છે.

શ્રીયેનને અંતિમવિધિ કરતા શોપિંગમાં વધુ રસ
મૃત પત્ની અની દેવાણીના શરીરને આશીર્વાદ આપવાની પૂજાવિધિ ચાલુ હતી ત્યારે શ્રીયેન દેવાણી તેમાં હાજર રહેવાના બદલે કેપ ટાઇન શોપિંગ સેન્યરમાં ગયો હતો. દેવાણીના પિતા અને સસરા અનીના અવશેષો સાથે ઘેર આવ્યા પછી તેની પૂજાવિધિમાં હાજર રહેવાના બદલે લક્ઝરી શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયો હોવાનું શ્રીયેને પોલીસને જણાવ્યું હતું. ટ્રાયલમાં રજૂ કરાયેલા નવા સીસીટીવી વીડિયોમાં શ્રીયેન અને તેના સસરા વિનોદ હિન્ડોચાની વિરોધાભાસી બોડી લેન્ગ્વેજ જોવા મળી હતી. હિન્ડોચા માથા પર હાથ મૂકીને નિરાશ વદને બેઠા છે જ્યારે, દેવાણી લેપટોપ ખોલીને બેઠા પછી અખબારો ઉથલાવતો નજરે પડે છે.

હોટેલ સ્ટાફને ‘થેન્ક્ યુ’ કાર્ડ્સ અને રોકડ ટીપ
જોકે, તેના વકીલોએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે આ ખરીદી તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરનારા હોટેલ સ્ટાફ અને પોલીસ સ્ટાફને ‘થેન્ક્ યુ’ કાર્ડ્સ આપવા માટે હતી. શ્રીયેને અનીનાં મૃત્યુ પછી પોતાની કાળજી રાખવા બદલ આ કાર્ડ્સ સાથે રોકડ ટીપ પણ આપી હતી. દેવાણીના બેરિસ્ટર ફ્રાન્કોઈસ વાન ઝીલે કોર્ટને જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટે કેપ ગ્રેસ હોટેલના સ્ટાફને ૧૫,૦૦૦ રેન્ડ (£૮૫૦) અને ડીટેક્ટિવ કેપ્ટન લૂટમાનને ૫૦૦ રેન્ડ (£૩૨)ની ભેટ આપી હતી. કેપ્ટને નાણા લીધાનું નકાર્યું હતું. વીડિયો ફિલ્મ થયાની થોડી ક્ષણો અગાઉ, દેવાણીએ ટેક્સી ડ્રાઈવર ટોન્ગોને રેન્ડ ૧૦૦૦ (£૬૫)ની રોકડ ધરાવતી પ્લાસ્ટિક બેગ આપ્યાની રજૂઆત પણ કોર્ટમાં થઈ હતી. દેવાણીએ આ બાબતે કહ્યું છે કે આ નાણા ડ્રાઈવરની સેવા અને તેની ટેક્સીને નુકસાનના વળતર તરીકે અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter