લંડનઃ 205 વર્ષ જૂના અને 95,000 સભ્યો ધરાવતા ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સના સૌપ્રથમ ભારતીય મૂળના પ્રમુખ બનીને પ્રોફેસર અનુષા શાહે ઇતિહાસ રચ્યો છે. લંડનમાં સંસ્થાના મુખ્યમથક ખાતે પોતાના પ્રથમ સંબોધનમાં વોટર એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના નિષ્ણાત શાહે નેચર પોઝિટિવ સિવિલ એન્જિનિયરિંગ પર ભાર મૂક્યો હતો.
અનુષા શાહે વલણમાં બદલાવની તાતી જરૂર હોવાનું જણાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેચરને એકબીજા સાથે સાંકળી લેવામાં મળેલી નિષ્ફળતા પર ભાર મૂક્યો હતો. તેમણે કુદરત આધારિત ઉકેલો માટે વૈશ્વિક પ્રયાસોની અપીલ કરતાં આ અભિગમને વ્યાપક બનાવવા જણાવ્યું હતું.
શાહે જણાવ્યું હતું કે, વિશ્વની 30 ટકા જીવસંપત્તિના વિનાશ માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જવાબદાર છે. પર્યાવરણને થઇ રહેલા નુકસાન સામે કુદરત અને લોકોના હકારાત્મક અભિગમ દ્વારા આપણે ન કેવળ નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરી શકીશું પરંતુ પર્યાવરણમાં સુધારો લાવીને આપણા સમાજ અને ધરતી માટે ઘણા લાભ લણી શકીશું.


