લંડનઃ અન્ય લોકો માટે વિવિધ પ્રકારની વિગ ધારણ કરીને બ્રિટિશ સિટિઝનશિપ પરીક્ષા આપતી બીજી મહિલાની ધરપકડ પોલીસે કરી છે. આ પહેલાં પણ આવા કારનામા કરતી એક મહિલા ઝડપાઇ ચૂકી છે. પોલીસે કેન્ટના ડાર્ટફોર્ડ ખાતેથી 42 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. તેના પર વર્ષ 2022 અને 2023માં દેશના વિવિધ વિસ્તારોમાં 12 લોકો વતી લાઇફ ઇન યુકે ટેસ્ટ આપવાનો આરોપ મૂકાયો છે. પોલીસે મહિલાના ઘરમાંથી વિવિધ પ્રકારી વિગ, 50 જોડી ડિઝાઇનર જૂતાં, સંખ્યાબંધ ઘડિયાળો અને બેગ તથા બનાવટી દસ્તાવેજો જપ્ત કર્યાં હતાં.
એક સપ્તાહ પહેલાં પોલીસે એનફિલ્ડ ખાતેથી અન્યો વતી આ ટેસ્ટ આપતી 61 વર્ષીય જોસેફાઇન મોરિસની ધરપકડ કરી હતી. તેના પર 15 આરોપ મૂકાયાં છે.
બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે ધરપકડો દર્શાવે છે કે જે લોકો યુકેના ઇમિગ્રેશન કાયદાઓ પોતાના અંગત લાભ માટે તોડે છે તેમને છોડાશે નહીં. હવે આ પ્રકારના અપરાધોને ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ ગણાશે. સરકાર આ માટે નવું ઇમિગ્રેશન બિલ લાવવાની તૈયારી કરી રહી છે.