લંડનઃ સરકાર વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે ત્યારે ઈસ્ટ લંડનની પેટા ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર સલીમ મઝહરને હરાવી અપક્ષ ઉમેદવાર નૂરજહાન બેગમે વિજય હાંસલ કર્યો છે. ઈલ્ફર્ડ સાઉથના લેબર સાંસદ તરીકે ચૂંટાયા પછી રેડબ્રિજ કાઉન્સિલના પૂર્વ લીડર જાસ અથવાલે ગયા વર્ષે રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ હતી.
સલીમ મઝહરને 663 મત મળ્યા હતા જ્યારે નૂર જહાન બેગમને 1080 મત મળ્યા હતા. કન્ઝર્વેટિવ ઉમેદવાર 494 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. વિજય હાંસલ કર્યાં પછી નૂર જહાન બેગમે પ્રચારમાં જોડાયેલા વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો.
ઈસ્ટ લંડનમાં લેબર પાર્ટી સામે અપક્ષ ઉમેદવારોનું જોખમ વધી રહ્યું છે. વરિષ્ઠ લેબર રાજકારણીઓ પાર્ટીના ઉમેદવાર માટે પ્રચારમાં જોડાયા હતા. જાસ અથવાલ ચૂંટાયાના મહિનાઓ પછી તેમના રેન્ટલ હોમ્સની અત્યંત ખરાબ હાલત બદલ ભાડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.