લંડનઃ સેંકડો વિદેશી અપરાધીઓ વારંવાર અપરાધનું પુનરાવર્તન કરતાં હોવા છતાં સરકાર તેમને દેશનિકાલ કરવામાં નિષ્ફળ રહી છે. ઘણા વિદેશી અપરાધીઓ તો 10થી વધુ વાર અપરાધનું પુનરાવર્તન કરી ચૂક્યાં છે.
છેલ્લા 4 વર્ષમાં 537 વિદેશી અપરાધીએ 10 કરતાં વધુ અપરાધ આચર્યાં હતા જ્યારે 1260 વિદેશી અપરાધી 6 થી 9 અપરાધમાં સંડોવાયેલા માલૂમ પડ્યાં હતાં. 10,093 અપરાધી એકથી પાંચ અપરાધમાં સંડોવાયેલા હતા. એક કરતાં વધુ અપરાધમાં સંડોવાયેલા કુલ વિદેશી અપરાધીઓની સંખ્યા 11,890 જેટલી રહી હતી.
અલગ આંકડા એમ પણ દર્શાવે છે કે દેશનિકાલને ટાળી શકનાર વિદેશી અપરાધીઓએ છેલ્લા એક વર્ષમાં 10,000 અપરાધ આચર્યાં હતાં. જેમાંથી 25 ટકા અપરાધ તો યુકેની જેલમાંથી મુક્ત થયા બાદ અપરાધી દ્વારા આચરવામાં આવ્યાં હતાં.
હોમ સેક્રેટરીએ એક વર્ષ કરતાં વધુ જેલની સજા મેળવનાર વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાનો કાયદો ઘડવાની જરૂર છે. જાહેર હિતમાં જરૂર જણાય તો એક વર્ષ કરતાં ઓછી સજા મેળવનાર વિદેશી અપરાધીઓને પણ દેશનિકાલ કરવા જોઇએ.
હાલ બ્રિટિશ જેલોમાં 10,000 જેટલાં વિદેશી અપરાધી છે જે કુલ કેદીઓના 12 ટકા છે. તેમાં સૌથી વધુ આલ્બેનિયાના અપરાધીઓનો સમાવેશ થાય છે.

