અપરાધીઓ માટે ઝીરો ટોલરન્સ નીતિનો અમલઃ પ્રીતિ પટેલ

ગુનાઈત પ્રવૃત્તિ આચરનારા જ અપરાધ કરવામાં દહેશત અનુભવે તે જરૂરીઃ મૃત્યુદંડ કે ફાંસીની સજાના સક્રિય સમર્થક નહિ રહ્યાંનો દાવોઃ ઓસ્ટ્રેલિયા સ્ટાઈલની નવી પોઈન્ટ સિસ્ટમ માટે તરફેણ

Wednesday 07th August 2019 02:42 EDT
 
 

લંડનઃ બોરિસ સરકારમાં મૂળ ગુજરાતી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સરકાર અપરાધીઓ માટે ઝીરો ટોલરન્સ પોલિસિંગ નીતિનો અમલ કરશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ગુનાઈત પ્રવૃત્તિ આચરનારાઓ જ અપરાધ કરવામાં દહેશત અનુભવે તે જરૂરી છે. હોમ સેક્રેટરી તરીકે ધ ડેઈલી મેઈલને આપેલા પ્રથમ ઈન્ટર્વ્યૂમાં તેમણે સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે તેઓ કદી મૃત્યુદંડ કે ફાંસીની સજાના સક્રિય સમર્થક રહ્યાં નથી. પોલીસ અધિકારીઓને ગુનાખોરોની પાછળ પડી જવાની પરવાનગી અને તાકાત સુપરત કરીને તેમણે કાયદા અને વ્યવસ્થામાં લોકોનાં નબળાં પડતાં વિશ્વાસનું પુનઃસ્થાપન કરવાની ખાતરી ઉચ્ચારી હતી. હોમ સેક્રેટરીએ ઈમિગ્રેશન સિસ્ટમમાં પ્રામાણિકતાને પુનઃ સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા સાથે જણાવ્યું હતું કે તે માત્ર ઉપરછલ્લી આંકડાકીય રમત બની રહેવી ન જોઈએ. ચુસ્ત બ્રેક્ઝિટ સમર્થક પટેલે પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સામે ઈયુમાંથી સમજૂતી વિના બહાર નીકળવાની તૈયારી તરફ પૂરતું ધ્યાન નહિ આપ્યાની કડક ટીકા પણ કરી હતી. તેમણે યહુદીવાદવિરોધ મુદ્દે લેબર પાર્ટીની ઝટકણી કાઢતાં કહ્યું હતું કે યહુદી કોમ્યુનિટીઓ ભય હેઠળ જીવી રહી હતી.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘અપરાધીઓ આપણી શેરીઓમાં કોઈ પણ ક્રિમિનલ પ્રવૃત્તિઓ આચરવામાં ડર અનુભવે તેમ થવું જોઈએ. વાસ્તવમાં, શેરીઓમાં વધુ પોલીસ અધિકારીઓની હાજરીના કારણે અપરાધ આચરવાનો વિચાર કરવામાં પણ તેઓ ખરેખર દહેશત અનુભવે તેમ થવું જોઈએ.’ તેમણે કેનાબીસ અપરાધોને નજરઅંદાજ નહિ કરવાની ચેતવણી પણ ચીફ કોન્સ્ટેબલ્સને આપી હતી.

ઓસ્ટ્રેલિયા જેવી પોઈન્ટ સિસ્ટમ માટે તરફેણ

બ્રેક્ઝિટ પછી તેઓ ‘આપણને જરૂરી કૌશલ્ય પર કેન્દ્રિત, સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ લોકોને પ્રવેશ તેમજ આપણે પેઢીઓ સુધી યોગદાન આપનારા ઈમિગ્રન્ટ્સને જોયા છે તે રીતે દેશને પ્રદાન કરી શકે’ તેવી ઓસ્ટ્રેલિયા સ્ટાઈલમાં નવી પોઈન્ટ સિસ્ટમ માટે તરફેણ કરી રહ્યાં છે. થેરેસા મે જેની નજીક પણ પહોંચી ન શક્યાં તે હજારોની સંખ્યાના નેટ ઈમિગ્રેશનનું લક્ષ્ય બોરિસ જ્હોન્સને કચરામાં ફેંકી દીધું છે ત્યારે પ્રીતિ પટેલ ઈમિગ્રેશન સિસ્ટમમાં પ્રજાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે, ‘આ માત્ર આંકડાકીય રમત હોવી ન જોઈએ. આપણા દેશમાં આવતા લોકોના વ્યાપક યોગદાન વિશેની વાત હોવી જોઈએ. હું કોઈ મનસ્વી લક્ષ્યો અને આકડા સાથે સંકળાવા માગતી નથી કારણકે તે ઉપરછલ્લાં જ હોય છે.’

કન્ઝર્વેટિવ પાર્ટી કાયદો અને વ્યવસ્થાની પાર્ટી

થેરેસા સરકારમાંથી હકાલપટ્ટી પછી બે વર્ષે બોરિસ જ્હોન્સન સરકારમાં હોમ સેક્રેટરી તરીકે પરત થયેલાં પ્રીતિ પટેલને કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રમાં ટોરી પાર્ટીની બગડેલી પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાની તેમજ વધતી ગુનાખોરીને અંકુશમાં લાવવાની કામગીરી સોંપવામાં આવી છે. બોરિસ કેબિનેટમાં છ અશ્વેત અથવા વંશીય લઘુમતી રાજકારણીઓને અપાયેલા સ્થાનમાં પ્રીતિ પટેલનો પણ સમાવેશ થાય છે. જ્હોન્સન અને પ્રીતિ પટેલે નેશનલ પોલિસિંગ બોર્ડની પ્રથમ બેઠક પણ યોજી હતી.

આ સમસ્યા પર અંકુશ મેળવવાની ખાતરી આપતાં હોમ સેક્રેટરીએ ડેઈલી મેઈલને જણાવ્યું હતું કે, ‘કન્ઝર્વેટિવ પાર્ટી કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છે. આપણા દેશની સુરક્ષા, આપણી શેરીઓની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા આપણા મૂલ્યોના કેન્દ્રમાં છે.’ વડા પ્રધાને ગુનાખોરી સામે લડવાને તેમની સરકારની પ્રાથમિકતા બનાવી આગામી ત્રણ વર્ષમાં ૨૦,૦૦૦ ઓફિસરની નિમણૂક પાછળ ૧.૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી છે. હોમ ઓફિસ પણ સ્ટોપ એન્ડ સર્ચ પરના અંકુશો હળવા કરવા તૈયારી કરી રહી છે. ગત મહિને જારી કરાયેલા આંકડા અનુસાર ગત વર્ષે ૫.૯ મિલિયન ગુના નોંધાયા હતા, જે ૧૫ વર્ષમાં સૌથી વધુ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં નોંધાયેલા હિંસક અપરાધો ૨૦ ટકા વધારા સાથે ૧.૬ મિલિયન જેટલા થયા છે, જે ૨૦૦૨ પછી સૌથી વધુ સંખ્યા છે. ૧૨ ગુનામાંથી માત્ર એક ગુનો ચાર્જ અથવા સમન્સ તરફ દોરી જાય છે.

મારા માટે વિવિધ ટીપ્પણી થતી જ રહે છે

બોરિસ જ્હોન્સને પોતાની કેબિનેટની પસંદગી કરી ત્યારે ચુસ્ત બ્રેક્ઝિટ સમર્થક પ્રીતિ પટેલ હોમ ડિપાર્ટમેન્ટ સાથે સૌથી મોટાં વિજેતા રહ્યાં હતા. તેમણે ડેઈલી મેઈલ સાથેની વાતચીતમાં હોમ સેક્રેટરી તરીકે કાર્યો કરવાની આકાંક્ષાથી માંડી બાળપણમાં પેરન્ટ્સ સાથે દુકાનોમાં કામ કરવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સૌપ્રથમ વખત રેસિઝમ સંબંધિત પોતાના અનુભવો, ઓનલાઈન ટ્રોલિંગ અને તેમના જીવન પર અસરો વિશે પણ જણાવ્યું હતું. હોદ્દા પર નિયુક્તિના બે દિવસ પછી જ ઓલ્ધામના એક પુરુષને મિસ પટેલને અપશબ્દોથી નવાજતા વર્ણભેદી મેસેજિસ માટે જેલની સજા થઈ હતી. આ વિશે પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘હું પાર્લામેન્ટની સભ્ય છું અને વિવિધ પ્રકારની ટીપ્પણીઓ મારાં માટે થતી રહે છે.’ હવે તેઓ હોમ ઓફિસમાં છે ત્યારે ઓનલાઈન એબ્યુઝને ડામવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે,‘હું એ બાબતે સ્પષ્ટ છું કે આપણે કદી ખરાબ ભાષા, હેટ ક્રાઈમ્સ કે ધાકધમકીને સહન કરવા કે સ્વીકારવા ન જોઈએ. આપણે મુક્ત અભિવ્યક્તિ સાથે મુક્ત સમાજમાં રહીએ છીએ, હું તેમાં માનું છું પરંતુ, આ સાથે આપણા કાયદાઓ પણ છે.’ તેમણે યુએસની ચાર બિનગોરી કોંગ્રેસવુમન માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગો હોમ’ રિમાર્કને વખોડી કાઢી હતી.

મૃત્યુદંડ વિશે વિચારોની સ્પષ્ટતા

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના ડેથ પેનલ્ટીને સમર્થનના દાવાઓ વિશે વિવાદ ચાલતો રહ્યો છે. જોકે, આ ઈન્ટર્વ્યૂમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે કદી ડેથ પેનલ્ટીનું સમર્થન કર્યું નથી, તેઓ કદી સક્રિય સમર્થક રહ્યાં નથી અને જે કહેવાયું છે તે સંદર્ભ કે પૂર્વાપર સંબંધ ટાંક્યા વિના કહેવાયું છે. તેમણે ૨૦૦૬ના ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે,‘જો તમારી પાસે પોલીસમેનની હત્યા અને અન્ય ઘૃણિત અપરાધો માટે આખરી દંડ હોય તો તે અવરોધક તરીકે કામ કરશે તેની મને ખાતરી છે. આપણે લોકોને સ્પષ્ટ સંકેત પાઠવવો જોઈએ કે ક્રાઈમથી કશું પ્રાપ્ત થતું નથી. દંડ અપરાધને યોગ્ય જ હોવો જોઈએ અને હું કેપિટલ પનિશમેન્ટને ટેકો આપું છું.’ તેઓ ૨૦૧૦માં સંસદમાં પ્રવેશ્યાં તે પછી ક્વેશ્ચન ટાઈમમાં પણ તેમણે અપરાધના અવરોધક તરીકે કેપિટલ પનિશમેન્ટને ફરી દાખલ કરવાને સમર્થનની તૈયારી દર્શાવી હતી.

બ્રિટનમાં વધતા રેસિઝમથી ચિંતા

હોમ સેક્રેટરી બ્રિટનમાં વધતા રેસિઝમ અને ખાસ કરીને યહુદીવાદના વિરોધથી ચિંતિત છે. તેમનું મોટાભાગનું બાળપણ જ્યુઈશ કોમ્યુનિટીનું પ્રભુત્વ ધરાવતા હર્ટફોર્ડશાયરમાં વીત્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘રેસિઝમ એટલે શું તેની મને જાણ ન હતી. હું મારી માતા અને પિતાને આ વિશે પ્રશ્નો કરતી હતી. હું કોઈ ભય વિના અન્ય છોકરીઓ સાથે સ્કૂલ બસમાં જતી હતી. અમારામાંથી કોઈ સામે રંગભેદી કે યહુદીવિરોધી ટીપ્પણીઓ થતી ન હતી. હું મારા પુત્રને કેવું વર્તન સ્વીકાર્ય કે અસ્વીકાર્ય ગણાય તે શીખવું છું. રેસિઝમ કે ઘૃણા માટે કોઈ સ્થાન નથી. આપણી ઘણી કોમ્યુનિટીઓ તેના ભયમાં જીવે છે અને આ તદ્દન અસ્વીકાર્ય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter