લંડનઃ હોમ ઓફિસના આંકડા પ્રમાણે પોલીસ દળો અપરાધોની યોગ્ય તપાસમાં નિષ્ફળ જઇ રહ્યાં છે. હીઝ મેજેસ્ટીસ ઇન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સટેબ્યુલરી એન્ડ ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 43માંથી 22 પોલીસ દળ અપુરતાં અથવા તો તેમાં સુધારાની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. અપરાધની તપાસમાં આ દળોને લોઅર રેટિંગ અપાયાં છે.
2021-22ના ઇન્સ્પેક્શનોના આધારે જણાવવામાં આવ્યું છે કે અપરાધની તપાસ અને જનતાના કોલને જવાબ આપવા માટેની આઉટ સ્ટેન્ડિંગ કેટેગરીમાં એકપણ પોલીસ દળને હાઇએસ્ટ રેટિંગ અપાયું નથી. વોચડોગના જણાવ્યા અનુસાર પોલીસને અત્યંત નિમ્ન કક્ષાના અપરાધોમાં જ અપરાધીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે જે અસ્વીકાર્ય છે.
વિક્ટિમ્સ કમિશ્નર બેરોનેસ ન્યૂલવે જણાવ્યું હતું કે, હોમ ઓફિસના આંકડા મહત્વના સવાલો ઊભા કરે છે. પોલીસે તેની કામગીરીમાં ધરમૂળથી સુધારા કરવાની જરૂર છે નહીંતર બહુ ઓછા પીડિત સામે આવવાનું જોખમ સર્જાશે.
નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ચોક્કસ વિસ્તારોમાં જ્યાં પણ પોલીસની કામગીરી અધૂરી જણાશે અને તેમની સાથે મળીને કામ કરીશું જેથી જરૂરી સુધારા કરી શકાય.


