લંડનઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે પશ્ચિમ યુરોપમાં અપેક્ષિત આયુમર્યાદામાં બ્રિટિશ મહિલાનું સ્થાન તળિયેથી બીજા ક્રમે એટલે કે EU ૧૫ રાષ્ટ્રજૂથમાં તેનો ૧૪મો ક્રમ છે. મહિલા મૃત્યુદરમાં તેનો ક્રમ સ્લોવેનિયાથી પણ ખરાબ, જ્યારે ડેન્માર્કથી થોડો આગળ છે. પાંચ વર્ષ અગાઉ જન્મેલી બાળકીનું આયુષ્ય બ્રિટનમાં ૮૨.૭ વર્ષ, જ્યારે સ્પેન, ફ્રાન્સ અને ઈટાલીમાં અનુક્રમે ૮૫.૫ વર્ષ, ૮૫.૪ વર્ષ અને ૮૫ વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે. પૂર્વ યુરોપના સ્લોવેનિયામાં અપેક્ષિત આયુષ્ય ૮૩.૨ વર્ષનું છે. યુકેમાં પુરુષની અપેક્ષિત આયુમર્યાદા ૭૮.૮ વર્ષની છે, જે પશ્ચિમ યુરોપમાં ટોચના છઠ્ઠા ક્રમે છે.
નિષ્ણાતો અનુસાર યુકેમાં લાઈફસ્ટાઈલ સંબંધિત રોગો સ્ત્રીઓના ઓછાં આયુષ્ય માટે જવાબદાર છે. ગત સપ્તાહનું સંશોધન જણાવે છે કે NHS ના સ્રોતોના ૪૦ ટકા ખર્ચ ડાયેટ, આસ્કોહોલ અને ધૂમ્રપાન જેવા નિવારી શકાય તેવા પરિબળો પાછળ થાય છે. નબળી લાઈફસ્ટાઈલ વહેલા મોતને નોંતરી શકે તેમ WHO યુરોપના ઈન્ફોર્મેશન ડિરેક્ટર ડો. ક્લોડિયા સ્ટેઈને યુરોપિયન હેલ્થ રિપોર્ટ ૨૦૧૫ જાહેર કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુકેમાં સ્ત્રીઓની આયુમર્યાદા વધી રહી છે છતાં, EU ૧૫ની સરેરાશથી નીચી છે.
સત્તાવાર આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં ૧૯૯૦થી અપેક્ષિત આયુમર્યાદામાં પાંચ વર્ષ અને પાંચ મહિનાનો વધારો થયો છે. જોકે, સ્થૂળતા અને ખરાબ લાઈફસ્ટાઈલથી ભવિષ્યમાં તેમાં ઘટાડો થઈ શકે છે. વિશ્વભરમાં તમાકુ અને શરાબનું સેવન યુરોપમાં સૌથી વધુ છે અને અમેરિકા પછી સૌથી વધુ સ્થૂળ લોકો પણ યુરોપમાં છે. યુરોપની ૫૭ ટકાની સરેરાશ સામે યુકેના ૬૩ ટકા પુખ્ત લોકો સ્થૂળ છે. બ્રિટિશ સ્ત્રીઓ ઓછું ધૂમ્રપાન કરે છે, પરંતુ વધુ સ્થૂળ અને શરાબી છે. મહિલા કામદારોમાં શરાબનું પ્રમાણ વધી રહ્યું છે.