લંડનઃ અફઘાનિસ્તાનમાં અલ કાયદા સામે લડી રહેલા બ્રિટિશ સૈનિકોનો જીવ બચાવનારા ચાર વર્ષના મિલિટરી શ્વાન કુનોનું વેટ ચેરિટી PDSA દ્વારા અપ્રતિમ બહાદૂરી માટે અપાતા વિક્ટોરિયા ક્રોસની સમકક્ષ ડિકીન મેડલથી સન્માન કરવામાં આવશે. આગામી નવેમ્બરમાં યોજાનારા વર્ચ્યુઅલ સમારોહમાં તેને આ મેડલ અપાશે. કુનો આ પ્રકારનું સન્માન મેળવનાર યુકેનો પ્રથમ મિલિટરી ડોગ બન્યો છે.
દરોડા દરમિયાન એક બંદૂકધારીએ બેલ્જિયન પ્રજાતિના કુનોને બન્ને પગે ગોળી મારી હતી. તેના પરિણામે તેણે એક પંજો ગુમાવ્યો હતો. હાલ મિલિટરીમાંથી નિવૃત્ત થયેલા કુનોને વિસ્ફોટકો, શસ્ત્રો શોધવાની અને શત્રુઓેને ઈજા પહોંચાડવાની ટ્રેનિંગ અપાઈ હતી.
ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં અલ-કાયદા આતંકવાદીઓને નિશાન બનાવીને એક રાત્રે છાપો મારવામાં આવ્યો ત્યારે કુનો અને તેના હેન્ડલરને સ્પેશિયલ બોટ સર્વિસ (SBS) દળોને મદદ માટે ફરજ પર મૂકાયા હતા. ત્યારે તેમના પર હુમલો થયો હતો.એક ત્રાસવાદીએ ગ્રેનેડ હુમલો અને મશીનગન દ્વારા ગોળીબાર કરતા દળો આગળ વધવા અક્ષમ બન્યા હતા. કુનોને આ મડાગાંઠ તોડવા માટે મોકલાયો હતો. નાઈટવિઝન ગોગલ્સ પહેરેલા કુનોએ પળવારનો પણ વિલંબ કર્યા વિના ગોળીઓની રમઝટ વચ્ચે પણ બંદૂકધારી પર હુમલો કરીને તેને નીચે પાડીને તેનો હુમલો અટકાવી દીધો હતો.
આમ કુનોએ આખા મિશનનો ઘટનાક્રમ બદલીને દળોને મિશન સફળતાપૂર્વક પૂરું કરવામાં મદદ કરી હતી. પરંતુ, તેને પાછળના બન્ને પગમાં ગોળી વાગી હતી. તેને હેલિકોપ્ટરની પાછળ લઈ જઈને હેન્ડલર અને ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. તેને વધુ સારવાર માટે RAF વિમાન દ્વારા યુકે પાછો લઈ જઈ શકાય તે પહેલા કેટલીક સર્જરી પણ કરવી પડી હતી.