લંડનઃ ગુરવિન ચોપરા ફક્ત 10 વર્ષની હતી ત્યારે તેના પરિવારનું રહસ્ય તેની સામે આવ્યું હતું અને તેણે તેનું જીવન બદલી નાખ્યું હતું. લંડન સ્થિત પોતાના ઘરમાં માતાપિતાના પાસપોર્ટ સાથે રમતાં તેને જાણવા મળ્યું હતું કે તેના માતા પિતા ભારતના પંજાબના નહીં પરંતુ અફઘાનિસ્તાનના રહેવાસી હતા. વર્ષ 2000માં અફઘાન શીખ સમુદાયની સાથે તેઓ પણ પોતાનો જીવ બચાવવા યુકે નાસી છૂટ્યા હતા. તે સમયે ગુરવિનનો જન્મ પણ થયો નહોતો.
આજે ગુરવિન 23 વર્ષની છે અને તેના પરિવારની પ્રથમ સભ્ય છે જે લખી તથા વાંચી શકે છે. તેના માતાપિતા નિરક્ષર હતાં. ગુરવિને હ્યુમન રાઇટ લૉમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. ડિગ્રી સમારોહમાં તેણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કન્યા અને મહિલાઓને શિક્ષણનો અધિકાર નથી. પરંતુ આપણે શિક્ષણની જીવન બદલી નાખવાની ક્ષમતાને યાદ રાખવી જોઇએ. આજે મારા માતાપિતા ઘણું ગૌરવ અનુભવી રહ્યાં છે. હું સદ્દભાગી છું કે અહીં મને શિક્ષણ મળ્યું છે. શિક્ષણ તમને સ્વતંત્રતા અને પસંદગીઓ આપે છે.


