લંડનઃ બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટની ડિફેન્સ સિલેક્ટ કમિટીના ચેરમેન તનમનજિતસિંહ ઢેસીએ બ્રિટિશ સૈનિકોને મદદ કરનારા હજારો અફઘાન નાગરિકોના નામ જાહેર કરી દેવા માટે યુકે સરકારની કરી ટીકા કરી છે. 2022માં ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારી દ્વારા યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારા 33000 અફઘાન નાગરિકોની અંગત વિગતો ધરાવતી યાદી ભૂલથી મોકલાઇ ગઇ હતી.
ટાઇમ્સ રેડિયોને આપેલી મુલાકાતમાં ઢેસીએ આ સ્થિતિને અંધાધૂંધીભરી અને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટિશ સેનાને મદદ કરનારા અફઘાન નાગરિકોના જીવનો જોખમમાં મૂકાયાં છે તે બાબત ખરેખર શરમજનક છે. હું કમિટી દ્વારા તપાસનો પ્રારંભ કરાવીશ.
તનમનજિતસિંહ ઢેસી બ્રિટનના સૌપ્રથમ શીખ સાંસદ છે. રાષ્ટ્રીય રાજનીતિમાં આવ્યા તે પહેલાં તેઓ ગ્રેવ્સએન્ડના મેયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અફઘાન નાગરિકોની ગુપ્ત માહિતી જાહેર થવા પર ડિફેન્સ સેક્રેટરી જ્હોન હિલીએ સંસદમાં માફી માગી હતી. તેણે જણાવ્યું હતું કે, જે કાંઇ થયું તેનાથી હું ઘણો વિચલિત છું. હું સરકાર વતી અસરગ્રસ્તોની માફી માગુ છું.


