લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટનમાં આવી રહેલા અફઘાન શરણાર્થીઓ માટે ‘ઓપરેશન વાર્મ વેલકમ’ લોન્ચ કર્યું છે. કાબૂલ એરપોર્ટથી બચાવ અભિયાનની આખરી ફ્લાઈટ શુક્રવારે રાત્રે રવાના થઈ હતી અને તાલિબાનના ભયથી હવે યુકે આવેલા અફઘાનોનું જીવન બહેતર બની રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
વડા પ્રધાને અફઘાન રિસેટલમેન્ટ માટે નવા મિનિસ્ટર તરીકે હોમ ઓફિસના સેફગાર્ડિંગ બોસ વિક્ટોરિયા એટકિન્સની નિયુક્તિ કરી છે. તેમની કામગીરી સીરિયાની સિવિલ વોર વખતે ૨૦,૦૦૦ સીરિયન રેફ્યુજીસને યુકેમાં આશરો અપાયો તે જ રીતે અફઘાન શરણાર્થીઓને બહેતર જિંદગી મળે તેવી ચોકસાઈ કરવાની રહેશે. તેમના માટે હાઉસિંગ, હેલ્થ અને એજ્યુકેશન જરૂરિયાતો તેમજ તેમના માનસિક આરોગ્યના મુદ્દે સંકલન સાધવા નવું ડિપાર્ટમેન્ટ પણ ઉભું કરાશે. વધુ વિગતો સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે જેમાં લોકલ કાઉન્સિલ્સને હાઉસિંગ સપોર્ટ પૂરો પાડવા બદલ પાંચ મિલિયન પાઉન્ડ તેમજ દરેક આવનાર શરણાર્થીને વેક્સિન આપવાનો સમાવેશ થાય છે.
અફઘાન કાઉન્સિલ ઓફ ગ્રેટ બ્રિટનનો પ્રતિભાવ
વર્તમાન કટોકટી બાબતે અફઘાન કાઉન્સિલ ઓફ ગ્રેટ બ્રિટન (ACGB) દ્વારા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને ખાસ પ્રતિભાવ અપાયો છે. ACGBએ અફઘાનિસ્તાનમાં માનવીય કટોકટી વિશે અવાજ ઉઠાવવામાં બ્રિટિશ એશિયન કોમ્યુનિટી સાથ આપે તેવી હાકલ કરી છે. તેમણે અફઘાનિસ્તાનમાં જાનમાલનું જોખમ ધરાવતા શીખ અફઘાનો તેમજ હિન્દુઓનું સ્થળાંતર કરાવી બ્રિટનમાં વસાવવાના કાર્યમાં બ્રિટિશ શીખ અને હિન્દુ કોમ્યુનિટીનો સહકાર માગ્યો છે. આ ઉપરાંત, મુસ્લિમ લઘુમતી સંપ્રદાયો પરનું દમન અટકાવવામાં તેમણે બ્રિટિશ મુસ્લિમ કોમ્યુનિટીનો પણ સાથ માગ્યો હતો. ACGBએ બ્રિટિશ એશિયન બ્રિઝનેસ કોમ્યુનિટીને શરણાર્થીઓ અને અફઘાન બિઝનેસ એસોસિયેશન સાથે કામ કરી યુકેમાં આવનારા અફઘાનો માટે બિઝનેસ શરૂ કરાવવા, નોકરીઓ ઉભી કરવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
૩૦ કાઉન્સિલનો શરણાર્થી માટે ઈનકાર
દરમિયાન, મેટ્રો યુકેના અહેવાલ મુજબ યુકેની ૩૦ જેટલી કાઉન્સિલે અફઘાનિસ્તાનથી લવાયેલા હજારો શરણાર્થીઓમાંથી કોઈને પણ સ્વીકારવા ઈનકાર કર્યો છે. સરકારે તાલિબાનના ભયથી નાસી છૂટેલા ૨૦,૦૦૦ શરણાર્થીને પાંચ વર્ષમાં યુકેમાં વસાવવાની ખાતરી ઉચ્ચારી છે. ઘણા લોકો હાલ રહેઠાણ વિનાના છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ યુકેની ૩૩૩ કાઉન્સિલોને અફઘાન શરણાર્થીઓને યોગ્ય મકાન શોધવા વિનંતી કરાઈ હતી પરંતુ, ૩૦ કાઉન્સિલોએ તેમની પાસે સ્રોતોનો અભાવ હોવાનું જણાવી ઈનકાર કર્યો છે. બીજી તરફ, આ વર્ષે પ્રતિષ્ઠિત શેવનિંગ સ્કોલરશિપ જીતનારા ૩૫ વિદ્યાર્થી અફઘાનિસ્તાનથી યુકે આવી પહોંચ્યા છે. કેટલાક યુકેમાં એક વર્ષની માસ્ટર ડીગ્રીનો કોર્સ કરશે અને તેમને પોતાની સાથે પરિવારને લાવવાની પણ મંજૂરી અપાઈ છે. જોકે, પરિવારમાં જીવનસાથી અને બાળકોનો જ સમાવેશ કરાશે. ઘણા વિદ્યાર્થીએ કાબુલમાં પરિવારોને જોખમ હેઠળ રહેવું પડશે તેની ચિંતા દર્શાવી આ મુદ્દે ફરિયાદ પણ કરી છે.