લંડનઃ એબ્ડોમિનલ સર્જરી બાદ જાહેરમાં નહીં દેખાયેલા પ્રિન્સેસ ઓફ વેલ્સના ફોટો એડિટિંગ વિવાદ બાદ રાજવી પરિવારમાં પ્રિન્સ વિલિયમ અને કેટ વચ્ચે વિખવાદ ચાલી રહી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. આ અફવાઓ મધ્યે મહિનાઓ પછી પહેલીવાર કેટ મિડલ્ટન તેમના પતિ પ્રિન્સ વિલિયમ સાથે વીકએન્ડમાં જાહેરમાં જોવા મળ્યા હતા.
ટીએમઝેડ દ્વારા શાહી દંપતિને વિન્ડસરની એક ફાર્મ શોપની મુલાકાત લેતાં એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યા હતા. 40 સેકન્ડની વીડિયોક્લિપમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટન કેઝ્યુઅલ કપડાંમાં સજ્જ શોપિંગ બેગ સાથે નજરે પડી રહ્યાં છે. પ્રિન્સેસ કેટ પાર્કિંગ પ્લોટમાં ચાલતા સમયે પતિ પ્રિન્સ વિલિયમ સાથે હસીને વાતો કરતાં પણ જોઇ શકાય છે. 16 જાન્યુઆરીની રોજ સર્જરી કરાયા બાદ પ્રિન્સેસ ઓફ વેલ્સ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યાં હતાં. અખબારી અહેવાલો પ્રમાણે પ્રિન્સ અને પ્રિન્સેસે વીકએન્ડમાં સંતાનો સાથે રમતગમતની મઝા પણ માણી હતી.
જોકે ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા આ વીડિયો અંગે પણ નેટિઝન્સે શંકાઓ વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે શા માટે પ્રિન્સેસના ફોટોગ્રાફ લેવામાં ન આવ્યા. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે વીડિયોમાં દેખાતી મહિલા પ્રિન્સેસ નથી. કેટલાંકે તો આ મહિલા પ્રિન્સેસની બોડી ડબલ હોવાની શંકા વ્યક્ત કરી હતી.