લંડનઃ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જવા ઉપડેલી કમભાગી ફ્લાઇટ 171ને દુર્ઘટનાગ્રસ્ત થયાના 6 મહિના વીતી ગયાં છે. તેમ છતાં 260 પ્રવાસીઓનો ભોગ લેનારા આ અકસ્માતના સાચા કારણો હજુ સામે આવી શક્યાં નથી. ગુજરાત પોલીસ સહિત દેશ-વિદેશની 9 એજન્સી દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. મુખ્ય તપાસ એજન્સી ભારતની એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે જ્યારે અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને યુકેની એક એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પણ આ તપાસમાં સામેલ છે.
ભારતીય એજન્સીના પ્રાથમિક રિપોર્ટ અનુસાર વિમાનમાં ઇંધણનો પૂરવઠો બંધ થવાના કારણે વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થઇ ગયું હતું. 6 મહિના વીતી ગયાં છતાં એજન્સીનો ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. આ દુર્ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતીય પ્રવાસીઓ ભોગ બન્યાં હતાં.
અમેરિકા દ્વારા ફ્લાઇટ ડેટા રેકોર્ડરની માહિતી અપાઇ નથી
બોઇંગ કંપનીના વિમાનનું ફ્લાઇટ ડેટા રેકોર્ડર અમેરિકા મોકલી અપાયું હતું જેથી તેની માહિતી તપાસ એજન્સીઓને પ્રાપ્ત થઇ શકે. 1 મહિનામાં માહિતી મળી જવાને બદલે હજુ સુધી કોઇ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પ્લેન ક્રેશના 130 પીડિત પરિવાર દ્વારા અમેરિકામાં બોઇંગ કંપની સામે કેસ કરાયો છે. તેમના વકીલ માઇક એન્ડ્રુ દ્વારા આ આરોપ મૂકાયો છે.


