લંડનઃ અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાનો અંતિમ તપાસ અહેવાલ આગામી દિવસોમાં રજૂ થાય તેવી સંભાવનાઓ વચ્ચે દોષનો ટોપલો પાયલટ પર ઢોળી દેવામાં આવે તેવી અટકળોનો પીડિત પરિવારજનો અને એક્ટિવિસ્ટો દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
અમદાવાદમાં ઉડાનની સાનુકૂળ પરિસ્થિતિઓ છતાં ટેક ઓફની 32 મિનિટ બાદ વિમાન ક્રેશ થઇ ગયું હતું. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા અકસ્માતના એક મહિના બાદ પ્રાથમિક તપાસ અહેવાલ જારી કરાયો હતો. જેમાં આત્મઘાતી પાયલટે એન્જિનને મળતો ઇંધણનો પૂરવઠો અટકાવી દીધો હોવાનું તારણ અપાયું હતું. ભારતીય તપાસ એજન્સી ઓક્ટોબર સુધીમાં અંતિમ તપાસ અહેવાલ જારી કરે તેવી સંભાવના છે.
ભારતના પાયલટ યુનિયન, એર સેફ્ટી એક્ટિવિસ્ટો અને પીડિત પરિવારોના વકીલો પાયલટને દોષી ઠેરવવાને બદલે વિમાનમાં ગંભીર ઇલેક્ટ્રિકલ ક્ષતિને જવાબદાર ગણાવી રહ્યાં છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સના પ્રમુખ સી એસ રંધાવાએ જણાવ્યું છે કે, અમે પહેલેથી કહેતાં આવ્યાં છીએ કે વિમાનમાં ઇલેક્ટ્રિકલ ખામી હતી અને તેની તપાસ થવી જોઇએ. ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચો પર ધ્યાન કેન્દ્રિત કરીને ખોટી દિશામાં તપાસ થઇ રહી છે. વિમાનના ટેકઓફના પ્રારંભિક તબક્કામાં જ ઇમરજન્સી પાવર સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. નિષ્ણાતોના મતે, આ ટર્બાઇન ફક્ત ત્યારે જ આપોઆપ ચાલુ થાય છે જ્યારે વિમાનમાં પાવર અથવા હાઇડ્રોલિક સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ જાય, જેને પાયલટ મેન્યુઅલી ચાલુ કરી શકતા નથી.
અમેરિકાના બોઇંગ 737 ફેક્ટરીના ભૂતપૂર્વ મેનેજર એડ પિયર્સન અને અન્ય કાનૂની સલાહકારોએ પણ સંકેત આપ્યો છે કે ફ્યુઅલ સપ્લાય બંધ થવાની ઘણી સેકન્ડ પહેલાં જ રેમ એર ટર્બાઇન સક્રિય થઈ ચૂક્યું હતું, જે વિમાનમાં ટેક-ઓફ વખતે મોટો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થયો હોવાનું દર્શાવે છે.
વિમાનના 56 વર્ષીય કેપ્ટન સુમીત સભરવાલ પાસે 15,000થી વધુ કલાકનો ઉડાન અનુભવ હતો. તેમના પિતાએ તપાસ અધિકારીઓ પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને પરિવાર પર પાયાવિહોણા આક્ષેપો કરવાનો આક્ષેપ કર્યો છે.


