અમદાવાદ પોલીસે દુર્ઘટના સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની પરવાનગી ન આપ્યાનો આરોપ

મહિનાઓ અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ પરવાનગી નકારવામાં આવીઃ પીડિત પરિવારોનો આરોપ

Tuesday 16th June 2026 13:00 EDT
 

લંડનઃ એર ઇન્ડિયા ક્રેશની પ્રથમ વરસી પર બ્રિટિશ પીડિત પરિવારોએ ભારતના સ્થાનિક સત્તાવાળાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારોનો આરોપ છે કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તેમના દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અટકાવી દેવાયા છે.

દક્ષિણ લંડનમાં બિઝનેસ મેનેજર તરીકે ફરજ બજાવતા સાગર પટેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ પ્લેનમાં બેસવાના ડર અને માતાના મોતના આઘાતજનક દ્રશ્યોના ભય પર કાબૂ મેળવીને ભારત જવા રવાના થયા હતા જેથી તેઓ યોજાનારી શોકસભામાં ભાગ લઈ શકે. જોકે મંગળવારે તેઓ જેવા ભારતમાં ઉતર્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી કે પોલીસ દ્વારા આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

દુર્ઘટનાને બરાબર એક વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં અકસ્માત સ્થળે યોજાનારી કૅન્ડલલાઇટ પ્રાર્થનાસભામાં અંદાજે 150 જેટલા પીડિત સંબંધીઓ હાજર રહેવાના હતા. બ્રિટનથી ભારત સુધીનું 4,000 માઇલથી વધુનું અંતર કાપીને ડઝનબંધ બ્રિટિશ નાગરિકો પોતાના વ્હાલસોયાને શ્રદ્ધાંજલિ આપવા ભારત પહોંચ્યા હતાં.

અમદાવાદની મેઘાણીનગર પોલીસે સંબંધીઓને જણાવ્યું હતું કે આ વિસ્તાર હજુ પણ તપાસ હેઠળ હોવાથી તેમને ઘટનાસ્થળે પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. પરિવારોનો આરોપ છે કે આ કાર્યક્રમ અંગે મહિનાઓ અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ પરવાનગી નકારવામાં આવી છે. સાગર પટેલે જણાવ્યું કે, મહિનાઓથી તપાસ અંગે સત્તાવાળાઓ મૌન સેવી રહ્યા છે અને મૃતદેહોના અવશેષોની અદલાબદલીને લઈને પણ ચિંતાઓ પ્રવર્તી રહી છે, તેમાં પોલીસનું આ વલણ અમારા માટે આખરી હદ સમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter