અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસીઃ પરિવારો હજુ પણ આઘાતમાં ગરકાવ

વિમાન દુર્ઘટનાથી પીડિત પરિવારજનો માટે એક વર્ષ પછી પણ સ્વજનોને ગુમાવવાની પીડા, અનુત્તરિત પ્રશ્નો અને ક્યારેય ન ભૂંસાય તેવી યાદોથી ઘેરાયેલી એક દૈનિક વાસ્તવિકતા

Tuesday 09th June 2026 10:10 EDT
 
 

લંડનઃ 12 જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી આવી રહી છે ત્યારે પીડિત પરિવારો આઘાત અને પરિજનોને ગુમાવવાના દુઃખમાંથી હજુ બહાર આવી શક્યાં નથી. એક વર્ષ પહેલાં આ ગોઝારા દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાનની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રિટિશ ભારતીયોનો સમાવેશ થતો હતો.

પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો અને જેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું છે તેવા બચી ગયેલા લોકો માટે આ દુઃખના ઘા હજી પણ એટલાં જ તાજા છે. ઘણા પીડિતો હજી પણ આઘાત, ચિંતા અને હવાઈ મુસાફરીના કાયમી ડર સામે ઝઝૂમી રહ્યા છે.

દીવના રહેવાસી રફીક આરબ માટે આ દુર્ઘટના તેમના પુત્ર ફૈઝાનના છેલ્લા ટેક્સ્ટ મેસેજમાં આજે પણ જીવંત છે. લંડન જતી ફ્લાઈટમાં બોર્ડિંગ કરતા પહેલા 25 વર્ષના ફૈઝાન દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં લખ્યું હતું કે, પાપા, હું ફ્લાઈટમાં બેસી ગયો છું અને જઈ રહ્યો છું. ભારે હૈયે રફીકે કહ્યું, કોણે વિચાર્યું હશે કે આ તેનો છેલ્લો મેસેજ હશે? આ અકસ્માત બાદ રફીક અને તેમના પરિવારે ક્યારેય વિમાની મુસાફરી કરી નથી.

સુરતની રહેવાસી મુક્તિ વાંસદિયા માટે આ વિમાન દુર્ઘટનાએ તેમના માતા-પિતા બંનેને છીનવી લીધા અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેમના માતા-પિતા, દિવ્યા અને અર્જુનસિંહ તેમની મોટી પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. આ તેમની પ્રથમ વિદેશ યાત્રા અને પ્રથમ હવાઈ મુસાફરી હતી.

હવે સુરતમાં એકલા રહેતા મુક્તિ જણાવે છે કે આ આઘાતને કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. તેમણે ટ્રાવેલ એજન્સીની નોકરી છોડી દીધી અને મહિનાઓ સુધી કાઉન્સેલિંગમાંથી પસાર થવું પડ્યું. જો કે હવે તેઓ ટાટા ગ્રૂપની સાથે સોશિયલ વર્કર તરીકે કામ કરે છે, પરંતુ માનસિક ઘા હજી રૂઝાયા નથી.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના 50 વર્ષીય સવદાન ચૌધરી હજુ પણ તેમના 26 વર્ષના પુત્ર કમલેશ અને પુત્રવધૂ ધાપુબેનના અવસાનના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. આ યુગલના લગ્નને માંડ છ મહિના થયા હતા. લંડનમાં સ્થાયી થયેલા કમલેશ પત્નીના વિઝા મંજૂર થયા બાદ તેને લેવા ભારત આવ્યા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માતનો ભોગ બન્યા.

સવદાનભાઈએ જણાવ્યું હતું કે, એક ગામડાના છોકરા માટે વિદેશમાં સ્થાયી થવું એ મોટી વાત હતી. અમને બધાને તેના પર ગર્વ હતો. કમલેશના દિવાળી પછી અમને લંડન લઈ જવા માંગતો હતો અને તેના નાના ભાઈને પણ ત્યાં સેટલ થવામાં મદદ કરવા માંગતો હતો. આજે એ તમામ સપનાઓ તેની સાથે જ દફન થઈ ગયા છે. મને હજી પણ અમદાવાદ એરપોર્ટ પર અમારા પરંપરાગત ચૌધરી પોશાકમાં સજ્જ એ બંને યાદ છે. વિદેશ જતા હોવા છતાં તેઓ પોતાના મૂળિયા ચૂક્યા નહોતા."

વિમાન દુર્ઘટના સાથે જોડાયેલા ઘણા લોકો માટે એક વર્ષ પછી પણ એક દુઃખદ હેડલાઇન નથી પરંતુ સ્વજનોને ગુમાવવાની પીડા, અનુત્તરિત પ્રશ્નો અને ક્યારેય ન ભૂંસાય તેવી યાદોથી ઘેરાયેલી એક દૈનિક વાસ્તવિકતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter