લંડનઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ 171ના પ્રવાસીને બે કલાક ફ્લાઇટમાં ગોંધી રખાતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગયા મંગળવારે સવારે 11 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રવાસીઓને ફ્લાઇટમાં બેસાડ્યા બાદ વિમાનની એસી સિસ્ટમમાં ખામી હોવાનું જણાતા કેપ્ટેને ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ખામી અંગે ગ્રાઉન્ડ સ્ટાફને જાણ કરાતાં તેમના દ્વારા ટેકનિશિયનોની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા બે કલાક સુધી વિમાનની મરામત કરવામાં આવી પરંતુ તે દરમિયાન તમામ 246 પ્રવાસીને વિમાનમાં જ બેસાડી રખાયાં હતાં. એર સાઇકલ મશીનમાં ખામી હોવાના કારણે વિમાનમાં એસી કામ ન કરતું હોવાથી પ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. એર ઇન્ડિયા દ્વારા આ બે કલાક દરમિયાન પ્રવાસીઓને ટર્મિનલમાં ન લઇ જવાતાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિમાનની મરામત પૂરી થયા પછી બપોરે બે કલાકે વિમાને ઉડાન ભરી હતી.


