લંડનઃ એર ઈન્ડિયા પહેલી નવેમ્બર ૨૦૧૫થી લંડન હીથ્રોથી દિલ્હી સુધીની વધારાની દૈનિક ડાયરેક્ટ મોર્નિંગ ફ્લાઈટનો આરંભ કરશે. આ વધારાની ફ્લાઈટના આરંભ સાથે હવે એર ઈન્ડિયાની યુકેથી ભારત સુધીની દૈનિક પાંચ ફ્લાઈટ થશે, જેમાં લંડન હીથ્રોથી ભારત સુધીની દૈનિક ચાર ડાયરેક્ટ ફ્લાઈટ અને બર્મિંગહામથી દિલ્હી સુધી દૈનિક એક ડાયરેક્ટ ફ્લાઈટનો સમાવેશ થાય છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ગત સપ્તાહે અમદાવાદ સુધીની આગામી ડાયરેક્ટ ફ્લાઈટ વિશે અહેવાલ અપાયો હતો. ફ્લાઈટ કેરિયરની સત્તાવાર જાહેરાત હજુ કરાઈ ન હોવાં છતાં ભારતની જ રાષ્ટ્રીય કેરિયર એર ઈન્ડિયાની પસંદગી કરાવાની સંપૂર્ણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાએ ૧૫ ઓક્ટોબર, ૨૦૧૫ના દિવસે જ તેની ૮૩મી વર્ષગાંઠ ઉજવી છે અને તેની તાકાત-ક્ષમતામાં વધારો જ થઈ રહ્યો છે.
ડાયસ્પોરા માટે નવા જ પ્રકારની ઈન્ડો-બ્રિટિશ પાર્ટનરશિપમાં સંકળાયેલી રોમાંચકતાને ધ્યાનમાં રાખી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા યુકેમાં એર ઈન્ડિયાના રીજિયોનલ મેનેજર સુશ્રી તારા નાયડુ સાથે આગામી સાહસો વિશે વિશેષ વાતચીત કરવામાં આવી હતી. બ્રિટનસ્થિત ડાયસ્પોરામાં જાણીતા વિશિષ્ટ વ્યક્તિત્વ સુશ્રી નાયડુએ ઘણાં અનોખા મુદ્દાઓ વિશે વાત કરી હતી, જે આ કંપનીને ભારત અને તેથી પણ આગળ પ્રવાસ કરવા માટે સૌથી વિશ્વસનીય એરલાઈન તરીકે સ્થાપિત કરે છે.
એર ઈન્ડિયા ગત ૬૮ વર્ષથી બ્રિટનના ડાયસ્પોરાની સેવામાં છે. ૩૪ આંતરરાષ્ટ્રીય સ્થળોએ તેની ફ્લાઈટ્સમાં ડિસેમ્બરથી સાન ફ્રાન્સિસ્કો સુધી નોન-સ્ટોપ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન સિલિકોન વેલીમાં વસતા ભારતીયોના હૃદયને જીતી લેનારી આ ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા શા માટે લંડન હીથ્રો અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ ચાલુ રાખવામાં નિષ્ફળ નીવડ્યું તેવા પ્રશ્નના ઉત્તરમાં સુશ્રી નાયડુએ ખુલાસાપૂર્વક જણાવ્યું હતું કે, ‘ડાયરેક્ટ ફ્લાઈટ્સ માત્ર ઈકોનોમી સેક્શનમાં બેઠકો પર જ આધાર રાખતી નથી. ફ્રન્ટ કેબિન્સ એટલે કે બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ કેબિન્સ પણ ભરાઈ જાય તેનું પણ ખાસ મહત્ત્વ છે. જોકે, અમારા નવા ડ્રીમલાઈનર એરક્રાફ્ટ્સ, અત્યાધુનિક ટેકનોલોજી અને ફ્યુલ કાર્યક્ષમતા સાથે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, અને હું માનું છું કે અમદાવાદ-લંડન ફ્લાઈટ્સ હવે બહુ દૂરની સંભાવના રહી નથી.’
જોકે, આમ કહ્યાં પછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમને આ બે શહેરો વચ્ચે એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ્સ અંગે સત્તાવાર સૂચના અપાઈ નથી. તેમણે કહ્યું હતું કે,‘આ નિઃસંદેહપણે વિશાળ માર્કેટ છે. બે શહેરો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ હોવી જોઈએ. પરંતુ ફ્રીકવન્સી, ક્રુ વગેરે સહિત અન્ય ઘણાં અવરોધક પરિબળો છે, જેનો વિચાર કરવો પડે છે. જોકે, આ બધું કહેવા છતાં, આ રૂટ પર ડાયરેક્ટ ફ્લાઈટ્સ ઘણી દૂર તો નથી જ. એ માત્ર સમયનો જ સવાલ છે.’
એર ઈન્ડિયા તદ્દન નવું જ એરક્રાફ્ટ ધરાવે છે. ફ્લેટ બેડ સાથેના ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસમાં વિશાળ લેગ સ્પેસ તેમ જ ઈકોનામી ક્લાસમાં પણ આરામપ્રદ પહોળી સીટ્સ સાથે તે લોકપ્રિયતા હાંસલ કરી રહેલ છે. ઓસ્ટ્રેલિયા જેવા દૂરના સ્થળે પહોંચવા માટે પણ ઘણાં લોકોને એર ઈન્ડિયામાં પ્રવાસ કરવાનું ગમે છે. ભારતની રાજધાનીમાં ટુંકા રોકાણ દરમિયાન પ્રવાસીઓને હોટેલમાં રોકાણની કોમ્પ્લીમેન્ટરી વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જે આરામપ્રદ પ્રવાસમાં આનંદનો વધારો કરે છે.
સુશ્રી નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે,‘એર ઈન્ડિયા જ એકમાત્ર ભારતીય એરલાઈન છે જે ભારતમાં તમારા ઘણાં ગંતવ્ય સ્થાનોએ ફાઈનલ પોર્ટ પર કસ્ટ્મ્સ અને ઈમિગ્રેશન ક્લીઅરન્સની સવલત પૂરી પાડે છે. પ્રવાસીને ડિપાર્ચર સમયે બે બોર્ડિંગ કાર્ડ્સ આપવામાં આવે છે અને ત્યાર પછીની યાત્રા સરળ બની રહે છે.’
એર ઈન્ડિયા અત્યારે હીથ્રો એરપોર્ટના ટર્મિનલ-૪ પરથી કામગીરી બજાવે છે અને ટુંક સમયમાં જ ટર્મિનલ-૨ પરથી કામગીરી માટે અપગ્રેડ થશે. એર ઈન્ડિયા સ્ટાર એલાયન્સ મેમ્બર હોવાના કારણે વિશ્વની સહયોગી એરલાઈન્સ સાથે ફ્રીકવન્ટ ફ્લાયર માઈલ્સની હિસ્સેદારી સહિતના બેનિફિટ્સ પણ આપે છે. આના પરિણામે, એરક્રાફ્ટની ફ્રન્ટ અને બેક કેબિન્સમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાના કારણે તે લોકપ્રિય પસંદ બની ગયેલ છે.
‘અમે વિશ્વસનીય બ્રાન્ડ છીએ અને એર ઈન્ડિયામાં ઉડ્ડયનના ઘણાં લાભ છે. સુંદર ભોજનની સાથોસાથ સ્ટાફ પણ મિલનસાર છે અને તેઓ નિશ્ચિતપણે ભારતીય ભાષામાં જ તમારી સાથે વાતચીત કરી શકે છે.’
ભપકા વિનાના સાદા અને ઘરેલુ ઉષ્માપૂર્ણ સ્પર્શના અનુભવ સાથે એર ઈન્ડિયાની લોકપ્રિયતા પુનઃ વધી રહી છે. અમને આશા છે કે અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટની ઉત્સુકતા સાથે પ્રતીક્ષા કરી રહેલા ડાયસ્પોરા પણ ટુંક સમયમાં ‘મહારાજા’ની માફક જ ભારતમાં તેમના વતનના શહેર સુધી પ્રત્યક્ષ ઉડ્ડયનનો અનુપમ અનુભવ માણવાની વિશેષ સુવિધાનો હિસ્સો બની જશે.