અમદાવાદ – લંડન ડાયરેક્ટ ફ્લાઇટ: સૌની મહેનત સફળ થઈ

Tuesday 17th November 2015 09:20 EST
 

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપ સૌએ કરેલી મહેનત સફળ થઈ તે માટે અમારા સર્વેનાં ખુબ ખુબ અભિનંદન અને હમેશા આવા કામ કરીને સફળતા મેળવો તેવી અમારી અભિલાષા.

વેમ્બલી સ્ટેડીયમ ખાતે ગત શુક્રવારે તા ૧૩-૧૧-૨૦૧૫ના રોજ ૬૦,૦૦૦ ભારતીયોની વિશાળ જાહેર સભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ – લંડન વચ્ચે સીધી ફલાઈટની શરુઆત કરવાની જાહેરાત કરી ત્યારે માંરી આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફ્લાઇટ શરૂ કરવા માટે તમે કરેલી મહેનત અને રજૂઆતોનો ઉલ્લેખ કરી તમારા નામની જાહેરાત કરતા જ તાળીઅો પડતા હું મારા મનને રોકી ન શકયો. પ્રભુની ઈચ્છા હશે તો આપણો મેળાપ નજીકના ભવિષ્યમાં જરૂર થશે.

રમણિક ગણાત્રા, બેકેનહામ

વેમ્બલી સ્ટેડીયમમાં મોદી જી નું ઐતિહાસિક સ્વાગત

ગત તા. ૧૩મી નવેમ્બરનો દિવસ ભારત અને ભારત બહાર વસેલા ભારતીયો માટે ખુબ જ ભાવવિભોર બન્યો. ભારતથી પધારેલા આદરણીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીનું ઐતિહાસિક સ્વાગત લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં હજારો ભારતીય અને યુકેના રહેવાસીઓ તેમજ યુકેના પીએમ શ્રી ડેવિડ કેમરન દ્વારા કરવામાં આવ્યું તે ઘડીનો હું પણ એક સાક્ષી છું.

આ ભારતીય ઉત્સવમાં તેમણે અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફલાઇટ તા. ૧૫મી ડીસેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરીને યુકે ખાતે રહેતા ભારતીયોને દિવાળી અને નવા વર્ષની અનોખી ભેટ આપી છે. વર્ષોથી એબીપીએલ ગ્રુપના અખબારો 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' લંડન અમદાવાદ વચ્ચે સીધી વિમાની સેવા શરૂ થાય તે માટે ચળવળ કરી રહ્યાં હતાં. શ્રી મોદીજીએ ડાયરેક્ટ ફ્લાઇટની શરૂઆતની જાહેરાત કરતા આપણા સૌના આદરણીય શ્રી સી.બી. પટેલના નામનો ઉલ્લેખ કરીને સીબીએ ઉઠાવેલી જહેમતની સરાહના કરી હતી.

અત્રે યાદ રહે આદરણીય સીબીના નેજા હેઠળ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા હજારો વાચકોની સહીઅોથી ભરેલા પીટીશન ફોર્મ નાગરીક ઉડ્ડયન મંત્રીને અને એર ઇન્ડિયાને સોંપાયા હતા. આ ઉપરાંત ભારત ખાતેના તમામ પક્ષોના ટેકાથી સીધી વિમાની સેવાનું એક વિરાટ જન આંદોલન શરૂ કર્યું હતું, જેને પગલે આ સફળતા મળી છે. કમનસીબે કેટલાક કહેવાતા લેભાગુઓએ મોદી જીની યાત્રા પહેલા 'મેં કર્યું.... અમે કર્યું...' કરીને આ સીધી વિમાની સેવાની શરૂઆતને પોતાના ખાતામાં નાખવાની કોશિશ કરી હતી. પરંતુ તેનું 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઇ ગયું. મોદીજીએ વેમ્બલી સ્ટેડીયમમાં હજારો ભારતીયોની હાજરીમાં પોતાના મિત્ર સીબી પટેલે કરેલી મહેનતનો સ્વીકાર કરી 'લંડન અમદાવાદની સીધી વિમાની સેવા'ને મંજુરી આપી છે.

બન્ને વડાપ્રધાનોએ ભારત અને યુકેના સબંધો વધુ મજબુત થશે તેવી ખાતરી વ્યક્ત કરી છે, જે આપણુ ગૌરવ છે. આદરણીય મોદી જીએ પોતાના ભાષણમાં યુકે ખાતે રહેતા ભારતીયોની ઓસીઆઇ અને પીઆઈઓની સમસ્યાને હલ કરી છે તેમજ ઈ વિઝા દ્વારા વિઝાનો પ્રોબ્લેમ પણ સરળ બનાવ્યો છે.

મોદીજી આપનો ખુબ ખુબ હ્રદયપૂર્વક આભાર. જરા વિચારી જુઅો કે જો આ આંદોલન આ અખબારોએ હાથમાં લીધું ના હોત તો કેવી સ્થિતી હોત!!

ભરત સચાણીયા, લંડન.

અભિનંદન - નવા વર્ષની અદ્ભૂત ભેટ

છેલ્લા ૯ વર્ષથી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટ્સ માટે યુકે અને ભારતમાં અવિરત અભિયાન અને લડતનું નેતૃત્વ સંભાળ્યા પછી, વડા પ્રધાન મોદીએ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫થી ડાયરેક્ટ ફ્લાઈટ્સના આરંભની જાહેરાત સાથે આપના પ્રયાસોનો બદલો વાળ્યો છે.

વડા પ્રધાન મોદીએ વેમ્બલી સ્ટેડિયમમાં આશરે ૬૦,૦૦૦થી વધુ ભારતીયોની હાજરીમાં આપણા અભિયાનનો એક વખત નહિ, બે વખત ઉલ્લેખ કર્યો તે સાંભળતા ખરેખર ગૌરવ અનુભવાયું. આ સીબી પટેલના પ્રયાસોની લેવાયેલી નોંધ અને પુષ્ટિ જ છે. સીબીના પ્રયાસોની માત્ર યુકેમાં નહિ, સમગ્ર વિશ્વમાં નોંધ લેવાશે તેમાં કોઈ શંકા નથી.

અમદાવાદ - લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ અપાવવા બદલ બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન વતી હું સીબી પટેલ અને આપની ટીમને અભિનંદન પાઠવું છું. શ્રધ્ધા અને સબૂરી - ધીરજના ફળ હંમેશાં મીઠાં હોય. વિક્રમ સંવત ૨૦૭૨ના વર્ષ માટે શુભકામનાઓ

અનિતા રુપારેલિયા, અધ્યક્ષ,

બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન, લંડન

સીબી અને સમગ્ર ટીમને અભિનંદન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, ૧૩ નવેમ્બર ૨૦૧૫ના દિવસે વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦ લોકોની હાજરીમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્વીકાર કરી જાહેરાત કરી હતી કે લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરવાની માગણી સાથેનું સીબી પટેલનું ખંતીલુ અભિયાન સફળ થયું છે. મોદીએ તેમના સીમાચિહ્ન સંબોધનમાં લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ્સ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫થી આરંભ કરાશે તેવી જાહેરાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ જ્યારે લાંબા સમયના મિત્ર તરીકે તમારા નામ સાથે જાહેરાત કરી, ડાયરેક્ટ ફ્લાઇટ માટેની આપની લાંબા સમયની મહેનતની સરાહના કરી ત્યારે હું, મારા પરિવારજનો, મારા મિત્રો અને વિશ્વભરમાં આ પ્રસારણ જોઇ રહેલા લાખ્ખો લોકો રોમાંચિત થઇ ઉઠ્યા હતા.

મને યાદ છે કે તમે ઘણા લાંબા સમયથી આ સેવા ફરીથી શરૂ કરાવવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. ૨૦૦૯માં NCGOના ચેરમેન અને એશિયન વોઈસ પબ્લિકેશનના એડિટર તરીકે તમે સંયુક્ત અભિયાનનો પુનઃ આરંભ કર્યો હતો અને મોટા પાયે સહીઓ એકત્ર કરીને એર ઈન્ડિયાને સુપરત કરવામાં આવી હતી. ૨૦૧૦માં ભારત સરકારના તત્કાલીન નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલે ખોટી રીતે જ ફ્લાઈટ્સ ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ કરાશે તેવી જાહેરાત કરી હતી.

તમે ઘણી જ હિંમત, ખંત અને ધિરજ દાખવ્યાં છે. ભારત અને યુકેમાં વિવિધ ચેનલ્સ અને ફોરમ્સના ઉપયોગ થકી તમે ભારત સરકારના દ્વાર સતત ખટકાવતા રહ્યા હતા, જે આખરે ડાયરેક્ટ ફ્લાઈટેસનો ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫થી આરંભ કરાશે તેવી વડા પ્રધાન દ્વારા કરાયેલી જાહેરાતમાં નિમિત્ત પુરવાર થયેલ છે.

નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ વતી હું આ સફળતામાં સૌથી મોટા પરિબળ બની રહેવા બદલ અભિનંદન પાઠવવાની સાથે આભાર પણ વ્યક્ત કરું છું.

પ્રવીણ અમીન, પ્રમુખ, નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ.

સીબી પરત્વેનો ગર્વ

હું ઘણા સમયથી 'ગુજરાત સમાચાર' વાંચુ છું અને છાપું હાથમાં હોય ત્યારે પરિવાર સાથે સંકળાવા જેવો અનુભવ થાય છે.

ગઈ કાલે ટીવી પર વેમ્બલી સ્ટેડિયમનો કાર્યક્રમ જોયો. અમે મા-દિકરો મોદીજીના ઇન્તેજારમાં વાતો કરતા હતા. મુખ્ય ધ્યાન તો મોદીજીએ માઇક સામે પદગ્રહણ કર્યું ત્યારે આપ્યું. નિયમીત ગુજરાત સમાચારનું અતિ ઉત્તમ સમાચારો વાંચતી હોવાથી સ્વાભાવિક છે કે મોદીજી આગળ શું બોલશે એ અંદાજ આવી જતો હતો.

ખેર, ખાસ રોમાંચક અને ગર્વની ઘડી આવી. જે મારા માટે સાર્થક હતી. મોદીજીએ વ્યક્તિગત રીતે છ વ્યક્તિઓનાં નામ લીધા હતા. ગાંધીજી, કેમરન, શ્યામજી કૃષ્ણવર્મા, સાવરકર, મદનલાલ ધીંગરા, ડેવિડ કેમરન, અને જ્યારે મારા મિત્ર સીબી એમ બોલ્યા ત્યારે તો મેં અનુભવ્યું જાણે આખું વેમ્બલી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. એક વાર નહીં બબ્બેવાર સી. બી. કહ્યું ત્યારે પોતિકા માટે અમને ગર્વ થયો એનું અનુમાન તમે આંકી નહીં શકો.

અને હા, સ્ટેડિયમમાં મનોરંજન કાર્યક્રમ બે-ત્રણ કલાક રજૂ થયો ત્યારે મોદીજી ત્યાં હતા કે પછી પાંચ વાગ્યા પછી આવ્યા? જો પછી આવ્યા તો એમણે એ આખો કાર્યક્રમ મીસ કર્યો? મહેનત કરનાર કલાકારો માટે તે વાત દુ:ખની કહેવાય, પણ કદાચ તેમને પણ તેની ખબર હશે જ.

બ્રિતનમાં રહેતા આપણા સૌ ગુજરાતી ભાઇ બહેનો અને 'ગુજરાત સમાચાર' પરિવારની મહેનત ફળીભૂત થઈ. ૧૫ ડિસેમ્બરથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે. આ ભેટ છે મોદીજીની સીબીને. વ્યક્તિગત ભેટ જેવો ભાસ થયો. સૌને અંતઃકરણથી અભિનંદન.

- મંજુ પંડ્યા, બ્રેડફર્ડ

ડાયરેક્ટ ફ્લાઇટની મહેનત સફળ

વિશેષ ખુશીથી જણાવવાનું કે અમદાવાદ-લંડનની ફ્લાઈટનું નક્કી થયું અને આપણા ભાઈઓ-બહેનો-વડીલો ખૂબ જ ખુશ થયા.

આમ તો સૌને જાણકારી હતી જ કે ફક્ત 'ગુજરાત સમાચાર' અને શ્રી સી. બી.ની તન-મન-ધન સેવા, પ્રામાણિક્તા અને અંતઃકરણના દિલથી, ભાવનાથી, પ્રેમથી કોમ્યુનિટી માટે જે સેવા આપી છે અને હજુ આપશે તેનાથી કોઈ અજાણ નથી. બાકી બીજા પોતાના નામથી ચારો ચરી જાય છે. પોતાના ભાણામાં કેટલી માખી ઊડે છે તે જોવા કરતા તેમણે જ સમજવાની જરૂર છે કે પ્રામાણિકતા રાખવામાં જ ગુણ છે. કરણી તેવી પાર ઉતરણી.

ઊજળું એટલું દૂધ નથી હોતું પણ અંતે તો સત્યનો જ વિજય છે. આપણા 'ગુજરાત સમાચાર', શ્રી સી. બી અને સૌ કાર્યકર્તાઓએ કરી બતાવ્યું. છેલ્લા કેટલા વર્ષોથી આપણે સૌ ડાયરેક્ટ ફ્લાઇટ માટે જહેમત ઊઠાવી હતી. બાકી બધાને જશ ખાવો છે. પણ કેસર ક્યારી કરી,અમૃત જળનું સિંચનકરીને લસણ-ડુંગળી વાવો તો પણ ડુંગળી જ ઉગવાની છે. માટે જરા વિચારો - બીજાની ખોદણી, અદેખાઈ કરવા કરતા તમારું જ સંભાળી લો.

ડાયરેક્ટ ફ્લાઇટ માટે શ્રી સી.બી. પટેલ અને 'ગુજરાત સમાચાર' અને સર્વે કાર્યકર્તાઓને ખૂબ ધન્યવાદ. આ સમાચાર જાણી અમે સર્વે વડીલો ખુશ થયા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જુગ જુગ જીવો ગુજરાત સમાચાર અને શ્રી સી. બી.ને અંતઃકરણના આશીર્વાદ મળે છે અને મળશે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

* બરડાઇ બ્રાહ્મણ સમાજના શ્રી જયંતીભાઈ રાજ્યગુરુ જણાવે છે કે 'મોદીજીએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટની જાહેરાત કરતા શ્રી સી.બી. પટેલના નામનો ઉલ્લેખ કરતા ખૂબજ અનંદ થયો. શ્રીમોદીજી એ જણાવ્યું હતું કે અમદાવાદની સીધી ફ્લાઇટની ખુબજ માંગ છે, તો તે આજે પૂરી કરવામાં આવે છે. શ્રી સીબિ અને સૌને ખુબ ખુબ અભિનંદન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter