લંડનઃ ગયા વર્ષે અમદાવાદમાં થયેલી ગમખ્વાર પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાને ભારત અને બ્રિટન વચ્ચેના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમ દ્વારા જાહેર આંકડા અનુસાર, એર ઇન્ડિયાના મુસાફરોની સંખ્યામાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.
અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ટેકઓફ કર્યાની થોડી જ મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ઘટના બાદ મુસાફરોમાં એરલાઇનની સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે અસુરક્ષા અને ડરનો માહોલ સર્જાયો છે. ઘણા નિયમિત પ્રવાસીઓ હવે એર ઇન્ડિયાની જગ્યાએ અન્ય એરલાઇન્સ પસંદ કરી રહ્યા છે.
વર્ષ 2025ના પ્રથમ પાંચ મહિનામાં એર ઇન્ડિયાએ ભારત-યુકે રૂટ પર વાર્ષિક ધોરણે 18 ટકાથી 32 ટકાનો મજબૂત ગ્રોથ નોંધાવ્યો હતો. પરંતુ જૂન 2025માં થયેલી દુર્ઘટના બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વર્ષ 2026ના પ્રથમ પાંચ મહિનામાં પણ આ ઘટાડો ચાલુ રહ્યો હતો. એપ્રિલ 2026માં મુસાફરોની સંખ્યામાં 27 ટકા અને મે 2026માં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.


