અમદાવાદના કોલ સેન્ટર્સ દ્વારા બ્રિટિશ નાગરિકોને છેતરવાનું મહાકૌભાંડ

Monday 01st April 2019 07:12 EDT
 
 

લંડન, અમદાવાદઃ વિદેશી નાગરિકો અને ખાસ કરીને યુકે તેમજ યુએસએના સિનિયર સિટિઝનો સાથે છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે અમદાવાદ મોકળું મેદાન બની રહ્યું છે. બ્રિટિશ ન્યૂઝ સાઈટ ડેઈલી મેઈલની ટીમે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં અમદાવાદના ૧૮ કોલ સેન્ટરમાં કાર્યરત સ્થાનિક યુવાનો બ્રિટિશ નાગરિકોને કોલ કરી પોતાની ઓળખ રેવન્યુ એન્ડ કસ્ટમ્સના અધિકારી તરીકે આપી ધમકીઓ દ્વારા હજારો પાઉન્ડ પડાવતા હોવાનું બહાર આવ્યું છે. તેઓ મોટાભાગે એકાકી જીવન વિતાવતા લોકો અને વૃદ્ધોને જ ટાર્ગેટ કરી જેલભેગા કરવાની ધમકી આપીને હજારો પાઉન્ડ પડાવતા હતા.અગાઉ, અમેરિકન રેવન્યુ વિભાગે પણ કહ્યું હતું કે ૩૦૦ મિલિયન ડોલરના બનાવટી ટેક્સ કૌભાંડ પાછળ અમદાવાદના કોલ સેન્ટર્સ સંડોવાયેલા છે.

બ્રિટિશ દંપતી પાસે £૧૦,૦૦૦ પડાવાયા

સામાન્ય રીતે ઓનલાઈન છેતરપિંડીમાં નાઈજીરિયન ગેંગો બદનામ છે પરંતુ, હવે અમદાવાદ પણ કોલ સેન્ટર કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઇ ચૂક્યું છે. આવા કૌભાંડી કોલ સેન્ટર્સ બંધ હોવાની મોટી જાહેરાતો થતી રહે છે પરંતુ, વાસ્તવિકતા અલગ જ છે. કોલ સેન્ટર કૌભાંડીઓએ બ્રિટનના ટનબ્રિજ વેલ્સના દંપતી ફેરી અને તેની પત્ની ફાયે પાસેથી તેમણે લગભગ ૧૦,૦૦૦ પાઉન્ડ પણ પડાવી લીધા છે, જે તેમને પિતા પાસેથી વારસા તરીકે મળ્યા હતા. આવા કોલ સેન્ટરમાં સરેરાશ પાંચ-સાત યુવાનો કામ કરે છે. તેમને માત્ર એક લેપટોપ, હેન્ડસ ફ્રી અને સોફ્ટવેર દ્વારા બ્રિટનનો નંબર દર્શાવતી ફોનની યાદી આપવામાં આવે છે. આ ફોન પરથી તેઓ પોતાની ઓળખ રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના અધિકારી તરીકે આપી બ્રિટિશ નાગરિકોને બાકી રહેલા ટેક્સ બાબતે ધમકાવે છે. ફોન કાપશો કે મૂકી દેશો તો સીધી કાનૂની કાર્યવાહી કરાશે તેમ કહી તેઓને સાણસામાં લેવામાં આવે છે. આ કોલ સેન્ટરમાં સરેરાશ પાંચ-સાત યુવાનો કામ કરે છે. માત્ર એક લેપટોપ, હેન્ડસ ફ્રી અને સોફ્ટવેર દ્વારા બ્રિટનનો નંબર દર્શાવતા ફોન પરથી બ્રિટનના નાગરિકને ટેક્સ બાબતે ધમકાવવામાં આવે છે. ફોન કાપશો તો સીધી કાનૂની કાર્યવાહી કરાશે તેમ કહી તેઓને સાણસામાં લેવામાં આવે છે.

તેઓને છેતરવા માટે આખી સ્ક્રિપ્ટ તૈયાર જ હોય છે. આખી સ્ક્રીપ્ટ ગૂગલ પરથી મેળવી લેવાય છે. વિદેશી નાગરિકોનો ડેટા બેથી પાંચ ટકા કમિશન આપી મેળવવામાં આવે છે. પ્રતિ દિવસ ૧૦,૦૦૦ જેટલા બ્રિટિશરને સાણસામાં લેવાનું લક્ષ્યાંક અપાય છે અને આ લક્ષ્ય પાર પાડે તેને અત્યંત લોભામણા પ્રોત્સાહનો પણ મળે છે. બ્રિટિશ નાગરિકો કાયદાના પાલનમાં માને છે. રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ તરફથી ફોન આવે એટલે તેઓ ગભરાઈ જાય છે અને જણાવેલા બનાવટી એકાઉન્ટ્સમાં ટેક્સના નાણા ભરી દેતા હોય છે. આમ, લાખો પાઉન્ડ એકઠાં થવા સાથે જ તેમાંથી નાણા મેળવી લઈ ખાતાં બંધ કરી દેવાય છે. શિકાર પાસેથી બનાવટી એકાઉન્ટ્સમાં મેળવાયેલા નાણા હવાલા મારફતે આરોપીઓ સુધી પહોંચે છે, જેનું કમિશન પણ નિશ્ચિત હોય છે. આ પછી નવી ગિલ્લી, નવો દાવ કહેવતના ધોરણે બીજી યાદીઓના નાગરિકો સાથે આવો ખેલ ખેલાય છે.

 કૌભાંડની સૂત્રધાર ત્રિપૂટી

ડેઇલી મેઇલના અહેવાલમાં અમદાવાદના આશ્રમ રોડ પર ચાલતા આ કોલ સેન્ટરનો વીડિયો ઉતારાયો છે. કોલ સેન્ટરના ઓફિસ મેનેજર તરીકે મોહિત ત્રિવેદી, સમકિત જૈન અને સંદીપ સોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૌભાંડ ચલાવનાર વ્યક્તિએ આ એક મોટો ધંધો હોવાનું સ્વીકારી લીધું છે. સ્ટીંગ કરનાર પત્રકારે જયારે તેને આ તમને ખરાબ નથી લાગતું તેવું પૂછતાં તેઓ નફ્ફટાઈથી કહે છે, ‘મને શું કરવા ખરાબ લાગે? પૈસા જ મહત્વના છે. બધે પૈસા જ મહત્વના છે.’

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય સ્થળોએ પોલીસની રહેમનજર હેઠળ ધમધમતા કોલ સેન્ટરોમાં કરોડોની કમાણીનો ખેલ થાય છે. કરોડો રુપિયાના આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડોમાં યુવાનો ઉપરાંત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ સહિતના મોટા માથા ભેગા મળી સુવ્યવસ્થિતપણે વિદેશી નાગરિકોને લૂંટી રહ્યા હોવાનું મનાય છે. એમ કહેવાય છે કે કોલ સેન્ટરોમાં કામ કરતા યુવાનો આ ધાકધમકીની મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયા કમાઈ જ રહ્યા છે, જેની સાથોસાથ પોલીસ વિભાગમાં પણ કરોડો રૂપિયાનું હપ્તાનું નેટવર્ક ગોઠવાયેલું છે જેનો હિસ્સો રાજકીય નેતાઓ સુધી પણ પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter