લંડન
ભારતમાં દિલ્હી અને મુંબઇ ખાતેની બીબીસીની કચેરીઓ પર આવકવેરાના દરોડાનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠ્યો હતો. હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ જિમ શેનને સરકાર પાસે આ મામલે જવાબ માગતા ટોરી સાંસદ ડેવિડ રટલેએ જણાવ્યું હતું કે, સરકાર બીબીસીની પડખે ઊભી છે. બ્રિટિશ સંસદ બીબીસીને ફંડિંગ કરે છે અને અમે તેની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ. અમારા મતે બીબીસીની સ્વતંત્રતા અત્યંત મહત્વની છે. આ વાત અમે ભારત સરકારને પણ કહેવા માગીએ છીએ. મીડિયાની આઝાદી લોકતંત્રમાં અત્યંત જરૂરી છે.
ભારત સાથેના બ્રિટનના સંબંધોનો ઉલ્લેખ કરતાં રટલેએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે ગાઢ મિત્રતા છે અને બાકી મુદ્દાઓની જેમ આ મુદ્દા પર પણ ભારત સરકાર સાથે વાતચીત જારી છે. બ્રિટિશ સરકાર આ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. બીબીસી ફક્ત તેના કર્મચારીઓનું જ સમર્થન કરી રહી હતી અને તેના માચે કોન્સુલર સમર્થન પણ ઉપલબ્ધ છે. ચર્ચામાં ભાગ લેતાં સાંસદ જુલિયન લૂઇસે બીબીસી પરની કાર્યવાહીને ચિંતાજનક ગણાવી હતી.
જિમ શેનને જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન વિરુદ્ધ જારી કરાયેલી દસ્તાવેજી ફિલ્મને જોતાં ભારત સરકાર દ્વારા ઘમકાવવાનો પ્રયાસ થયો હોય તેમ લાગી રહ્યું છે. લેબર પાર્ટીના સાંસદ ફેબિયન હેમિલ્ટને જણાવ્યું હતું કે, બીબીસી પરની કાર્યવાહી ચિંતાનો વિષય છે. ભારત સરકાર સાથે આ મામલા પર થયેલી વાતચીતની માહિતી સરકારે સંસદને આપવી જોઇએ.
બીબીસી પર દરોડા મામલે વિપક્ષની ટોરી સરકાર પર પસ્તાળ
ભારતમાં બીબીસીની કચેરીઓ પર આવકવેરાના દરોડાના મામલે બ્રિટિશ સંસદમાં વિપક્ષે સરકાર પર પસ્તાળ પાડી હતી. લેબર સાંસદોએ આ મામલા પર કન્ઝર્વેટિવ સરકારની ચુપ્પી પર આકરા પ્રહાર કરતાં બીબીસી પર ભારતીય આવકવેરા વિભાગના દરોડાનો વિરોધ કરવા અને આ પ્રકારની કાર્યવાહી સામે બીબીસીને સંરક્ષણ આપવા સરકાર દ્વારા કયા રાજદ્વારી પગલાં લેવાયાં છે તેની સ્પષ્ટતા માગી હતી.
બીબીસી કોઇ એજન્ડા પર કામ કરતી નથી – ટીમ ડેવી
ભારતમાં બીબીસીની કચેરીઓ પર આવકવેરાના દરોડાના એક સપ્તાહ બાદ બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવીએ જણાવ્યું છે કે બીબીસી કોઇ એજન્ડા પર કામ કરતી નથી અને તે ચોક્કસ હેતૂ માટે કામ કરે છે. અમારો મુખ્ય જાહેર હેતૂ પક્ષપાત વિના સમાચાર અને માહિતી પૂરાં પાડવાનો છે જેથી લોકો વિશ્વમાં બનતી ઘટનાઓને સારી રીતે સમજી શકે.


