અમારી પેઢી પર લુપ્ત થઇ જવાનું જોખમઃ નોર્થસ્ટોની યુવા હિન્દુ પેઢીની ચિંતા

પીટરબરોનું મંદિર બંધ થતાં નોર્થસ્ટોના પરિવારોને પૂજા માટે લંડન અથવા બર્મિંગહામ જેવા શહેરોનું લાંબુ અંતર કાપવું પડશે

Tuesday 30th June 2026 11:27 EDT
 
 

લંડનઃ કેમ્બ્રિજશાયરમાં પૂજા અને એકત્રિત થવા માટે કોઈ ચોક્કસ સ્થળ ન હોવાને કારણે યુવા હિન્દુઓને ચિંતા છે કે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થવાથી તેમની પેઢી લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે.

પીટરબરો સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિર સંભવિત રીતે બંધ થવાના આરે હોવાથી કેમ્બ્રિજશાયરના નોર્થસ્ટોમાં રહેતા હિન્દુ પરિવારોએ હવે પૂજા-અર્ચના કરવા માટે લંડન અથવા બર્મિંગહામ જેવા દૂરના શહેરો સુધી લાંબી મુસાફરી કરવી પડશે. સ્થાનિક હિન્દુ સંગઠન હિન્દુ સમાજ નોર્થસ્ટો દ્વારા શહેરના પ્રથમ મંદિર માટે જમીન મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ નિવિદા પ્રક્રિયામાં જમીન નોર્થસ્ટો ચર્ચ નેટવર્કના ફાળે ગઇ હતી.

નોર્થસ્ટોમાં રહેતી 16 વર્ષીય ઈવાએ જણાવ્યું, ચર્ચ જતા મારા મિત્રોની સરખામણીમાં હું વર્ષમાં માંડ બે વાર જ મંદિરે જઈ શકું છું. મારા મિત્રો આપણા તહેવારો અને ઉજવણી જોવા ઈચ્છે છે પરંતુ મારી પાસે તેમને લઈ જવા માટે કોઈ મંદિર જ નથી. સુવિધાઓના અભાવે હું તેમને આપણી પરંપરાઓ યોગ્ય રીતે બતાવી શકતી નથી. જો ટૂંક સમયમાં મંદિર નહીં બને તો આ પેઢીની સાથે આવનારી પેઢીને પણ નુકસાન થશે.

હિન્દુ સમાજ નોર્થસ્ટોના પ્રમુખ અપર્ણા નિગમે આશા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં ઉપલબ્ધ થનારી અન્ય જમીનો આ સમસ્યાનો ઉકેલ લાવશે, જેમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ જેવા વિવિધ ધર્મો માટે એક સહિયારી જગ્યા મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter