અમિત ચૌધરીને જેમ્સ ટેટ બ્લેક બૂક એવોર્ડ

Tuesday 30th August 2022 14:41 EDT
 
 

લંડનઃ એડિનબરા ઈન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલમાં યુકેના સૌથી જૂના સાહિત્યિક પ્રાઈઝ જેમ્સ ટેટ બ્લેક બૂક પ્રાઈઝની જાહેરાત કરાઈ હતી. આ પ્રાઈઝના વિજેતાઓમાં મૂળ ભારતીય લેખક અમિત ચૌધરી અને આઈરિશ લેખક કિથ રિજવેનો સમાવેશ થયો છે. યુનિવર્સિટી ઓફ એડિનબરા દ્વારા દર વર્ષે ફિક્શન અને બાયોગ્રાફીઝ માટે આ પ્રતિષ્ઠિત પ્રાઈઝ એનાયત કરાય છે. અમિત ચૌધરીને બાયોગ્રાફિકલ પુસ્તક ‘Finding the Raga: An Improvisation on Indian Music’ માટે અને કિથ રિજવેને તેમની નવલકથા ‘A Shock’ માટે આ પ્રાઈઝ મળ્યું છે. ઈનામવિજેતા લેખકોને 10,000 પાઉન્ડ મળશે.

યુનિવર્સિટી ઓફ એડિનબરાના બાયોગ્રાફી જજ ડો. સિમોન કૂકે મૂળ કોલકાતામાં જન્મેલા લેખક અમિત ચૌધરીના પુસ્તકને ‘સંગીત, સ્થળ અને રચનાત્મકતા વિશે આપણા વિચારોને વિના પ્રયાસે બદલી નાખનારા ભારે ઉંડાણ, સુક્ષ્મ દૃષ્ટિ અને રણકારસભર કાર્ય’ તરીકે ગણાવ્યું હતું. અમિત ચૌધરી નવલકથાકાર, કવિ, સાહિત્યિક વિવેચક, સંપાદક, ગાયક અને સંગીત નિયોજક પણ છે. તેમને ભારત સરકારના સાહિત્ય એકેડેમી એવોર્ડ ઉપરાંત, કોમનવેલ્થ રાઈટર્સ પ્રાઈઝ, ધ બેટ્ટી ટ્રાસ્ક પ્રાઈઝ, લોસ એન્જલસ ટાઈમ્સ બૂક પ્રાઈઝ ફોર ફિક્શન, ધ એઐન્કોર પ્રાઈઝ સહિતના સંખ્યાબંધ એવોર્ડ્સ અપાયા છે.

યુનિવર્સિટી ઓફ એડિનબરાના અન્ય જજ ડો. બેન્જામિન બેટમેને ડબ્લિનમાં જન્મેલા કિથ રિજવેની નવલકથા ‘A Shock’ને ‘સંવેદનશીલ, રચનાત્મક અને જીવનના ઉચ્ચ માનવીય પરીક્ષા’ સમાન ગણાવી હતી.

આ સાહિત્યિક એવોર્ડની શરૂઆત 100 વર્ષ કરતાં વધુ પહેલાથી કરાઈ છે. હવે તેમાં ફોર્મેટ પણ બદલાઈ રહ્યું છે જેમાં આ વર્ષે શોર્ટલિસ્ટેડ બૂક્સ વિશે પ્રાઈઝનાં મૂલ્યાંકનની નિર્ણયપ્રક્રિયામાં પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થી રીડર્સની ભૂમિકા પણ રહી છે. એવોર્ડના પૂર્વ વિજેતાઓમાં વિલિયમ ગોલ્ડિંગ, જ્હોન લે કાર, આઈરિશ મર્ડોક, જેમ્સ કેલમાન, ઈઆન મેક્ઈવાન અને માર્ટિન એમિસનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter