અમિષ ત્રિપાઠીને ભારતીય હાઇકમિશન ખાતે એજ્યુકેશન મિનિસ્ટર નિમાયા

બ્રિટન આવતા ભારતીય વિદ્યાર્થીઓની સક્રિય સહાય કરીશું – અમિષ ત્રિપાઠી

Wednesday 23rd November 2022 05:25 EST
 
 

લંડન

લેખક, બ્યુરોક્રેટ અને લંડનમાં નેહરુ સેન્ટરના ડિરેક્ટર એવા અમિષ ત્રિપાઠીના બ્રિટન ખાતેના કાર્યકાળને બે વર્ષ લંબાવી દેવાયો છે. તેમને ભારતના હાઇ કમિશન ખાતે શિક્ષણ વિભાગની વધારાની જવાબદારી સોંપાઇ છે તેથી હવે તેઓ હાઇ કમિશન ખાતે મિનિસ્ટર (કલ્ચર એન્ડ એજ્યુકેશન) તરીકે પણ કામગીરી કરશે. અમિષ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું અને મારી ટીમ બ્રિટનના શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટીઓ સાથે સતત સંપર્કમાં રહીને બ્રિટન આવતા ભારતીય વિદ્યાર્થીઓને સક્રિય સહાય કરીશું.

2019માં અમિષ ત્રિપાઠી ભારતીય હાઇકમિશન ખાતે કલ્ચર મિનિસ્ટર તેમજ નેહરુ સેન્ટરના ડિરેક્ટર પદે નિયુક્ત થયા હતા. તેઓ ભારતીય સમુદાય તેમજ અન્ય સમુદાયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. રાજદ્વારી તરીકેની ભુમિકામાં અમિષ ત્રિપાઠી સફળતાપુર્વક ભારતીય સમુદાયને તેની સંસ્કૃતિ સાથે સાંકળી રહ્યાં છે અને પશ્ચિમી સમુદાયમાં પણ ભારત અને તેની સંસ્કૃતિના પ્રચારમાં મદદ કરી રહ્યાં છે. તેમના માર્ગદર્શન હેઠળ નેહરુ સેન્ટર દ્વારા વિવિધ પુસ્તક વિમોચન, પરિસંવાદ, પેનલ ડિસ્કશન, સંગીત અને નૃત્યના કાર્યક્રમ આયોજિત કરાયાં છે. કોરોના મહામારી દરમિયાન નેહરુ સેન્ટર ખાતે અમિષ ત્રિપાઠી અને તેમની ટીમે તેમના કાર્યક્રમો ઓનલાઇન પ્રસારિત કર્યા જેના કારણે આ કાર્યક્રમો વિશ્વના તમામ ખૂણા સુધી પહોંચી શક્યા. અમિષે તેમની આ કામગીરી દ્વારા સતત દેશની સેવા કરી છે.

માર્ચ 2022માં પૂરા થતા વર્ષમાં બ્રિટનમાં અભ્યાસ માટે 1,07,978 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કરાયા હતા જે અગાઉના વર્ષ કરતાં 93 ટકાનો વધારો દર્શાવે છે. ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં બ્રિટન ઉચ્ચ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેમાં કોઇ આશ્ચ્રર્યની વાત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter