લંડનઃ યુકે અને પશ્ચિમના અમીર દેશો તેમની હોસ્પિટલોમાં પ્રવર્તતી નર્સોની અછત પૂરવા ગરીબ દેશોમાંથી મોટી સંખ્યામાં નર્સોની ભરતી કરીને નવા પ્રકારનો સંસ્થાનવાદ ચલાવી રહ્યાંનો આરોપ મૂકાયો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસના ચીફ એક્ઝિક્યુટિવ હાવર્ડ કેટ્ટોને જણાવ્યું છે કે આ ટ્રેન્ડના કારણે વિકાસશીલ દેશોમાં દર્દીઓની સારવાર બદતર બની રહી છે. વિકાસશીલ દેશોને તેમના અનુભવી આરોગ્ય કર્મચારીઓ ગુમાવવા માટે કોઇ વળતર પણ ચૂકવાતું નથી. આ મહિનામાં રવાન્ડામાં આયોજિત નર્સિંગ એસોસિએશનોની બેઠકમાં આ અંગે હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી.
કેટ્ટોને જણાવ્યું હતું કે, આફ્રિકન નર્સ લીડર્સે આરોપ મૂક્યો હતો કે ઉચ્ચ આવક ધરાવતા દેશો તેમની આર્થિક શક્તિનો ઉપયોગ તેમની જરૂરીયાત માટે ગરીબ દેશોની નર્સો છીનવી રહ્યાં છે. આ અમીર દેશો નવા પ્રકારનો સંસ્થાનવાદ ચલાવી રહ્યાં છે. તેઓ ગરીબ દેશોની આરોગ્ય વ્યવસ્થાઓમાં અવરોધ સર્જે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નબળી આરોગ્ય વ્યવસ્થા ધરાવતા દેશોમાંથી આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા પર નિયમો ઘડ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રેડ લિસ્ટમાં રહેલા દેશોમાંથી વિધિવત કરાર વિના આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરી શકાતી નથી.