લંડનઃ વિશ્વના ઘણા દેશોમાંથી અમીરો ઉચાળા ભરી રહ્યાં છે. ચીનને બાદ કરતાં સૌથી વધુ અમીરો યુકેમાંથી પલાયન કરી રહ્યાં છે. તેઓ લંડનના સ્થાને દુબઇ, પેરિસ અને અમેરિકાના ફ્લોરિડાની વસવાટ માટે પસંદગી કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર 2023માં 9500 મિલિયોનર્સ યુકે છોડીને ચાલ્યાં ગયાં હતાં.
હેનલી વેલ્થ માઇગ્રેશન રિપોર્ટના જણાવ્યા અનુસાર યુકેમાંથી મોટી સંખ્યામાં મિલિયોનર્સ પલાયન કરી રહ્યાં છે અને લંડન શહેરને મોટો ફટકો પડી રહ્યો છે. તેઓ હવે પેરિસ, દુબઇ, આમ્સ્ટર્ડડેમ, મોનાકો, જિનિવા, સિડની અને સિંગાપોર જેવા શહેરો પર પસંદગી ઉતારી રહ્યાં છે. યુકેના મિલિયોનર્સ માટે રિટાયર્ડમેન્ટ માટે ફ્લોરિડા, એલગ્રેવ, માલ્ટા અને ઇટાલિયન રિવિએરા મુખ્ય પસંદગીના સ્થળો છે.
2024માં પણ વિશ્વમાં 1,28,000 મિલિયોનર્સ માઇગ્રેશન કરે તેવી સંભાવના છે. યુકેમાંથી પણ 2024માં 9500 મિલિયોનર્સ યુએઇ, અમેરિકા સહિતના દેશો તરફ પ્રયાણ કરે તેવી સંભાવના છે. ભારત પણ આ મામલામાં પાછળ નથી. 2024માં 4300 મિલિયોનર્સ ભારત છોડી અન્ય દેશોમાં વસવાટ માટે જાય તેવી સંભાવના છે.
2024માં અમીરોનું સંભવિત માઇગ્રેશન
ચીન – 15,200
યુકે – 9500
ભારત – 4300
સાઉથ કોરિયા – 1200
રશિયન ફેડરેશન – 1000
નોન ડોમ સ્ટેટસ નાબૂદીનો ભય જવાબદાર?
મોટી સંખ્યામાં અમીર વિદેશીઓ યુકે છોડવાની તૈયારી કરી રહ્યાં છે તેની પાછળ નોનડોમ સ્ટેટસ નાબૂદ થવાનો ભય જવાબદાર છે. જો આ સ્ટેટસ ચાલ્યું જાય તો તેમને વિદેશમાં થતી આવક પર પણ યુકેમાં ટેક્સ ભરવો પડશે. દેશની બંને મુખ્ય રાજકીય પાર્ટી નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાના પક્ષમાં છે તેથી અમીર વિદેશીઓ યુકેમાં આવીને વસવાટ કરવાનું પણ પસંદ કરી રહ્યાં નથી.

