લંડનઃ આર્થિક ભરોસામાં ઘટાડા અને કરવેરામાં વધારાને પગલે બ્રિટન આ વર્ષે રેકોર્ડ 16500 મિલિયોનર્સ ગુમાવશે. હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ અનુસાર ઘણા દેશો ટેલેન્ટ અને મૂડીરોકાણ માટે સ્પર્ધા કરી રહ્યાં હોવાથી આ સ્થળાંતર વેલ્થ માઇગ્રેશનના ઐતિહાસિક મોજાનો હિસ્સો છે. 2025માં સમગ્ર વિશ્વમાં 1,42,000 મિલિયોનર્સ અન્ય દેશમાં સ્થળાંતર કરી જશે.
1 મિલિયન ડોલર કરતાં વધુની લિક્વિડ આસેટ્સ ધરાવતા લોકોમાં પ્રવર્તી રહેલા માઇગ્રેશન ટ્રેન્ડના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં યુકેમાંથી ચીન કરતાં બમણા અને રશિયા કરતાં 10 ગણા અમીરો અન્ય દેશોમાં સ્થળાંતર કરી જશે.
રિપોર્ટ તૈયાર કરનાર ડો. જુઅર્ગ સ્ટેફને જણાવ્યું હતું કે, વેલ્થ માઇગ્રેશનના આ નવા યુગમાં બ્રિટન માટે ચેતવણીજનક સ્થિતિનું નિર્માણ થયું છે. આ વર્ષે બ્રિટનમાંથી સ્થળાંતર કરી જનારા અમીરોની કુલ આસેટ્સ 66 બિલિયન પાઉન્ડ હશે.
2024માં પણ યુકેમાંથી 10,800 મિલિયોનર્સ સ્થળાંતર કરી અન્ય દેશમાં સ્થાયી થયાં હતાં. 2016માં બ્રેક્ઝિટ પહેલાં યુકે હંમેશા મિલિયોનર્સને આકર્ષતો હતો.
નોન ડોમ ટેક્સ માળખા અંગે પુનઃવિચારણા કરવા ચાન્સેલરની તૈયારી
ચાન્સેલર રેચલ રીવ્ઝ અમીરોનું સ્થળાંતર રોકવા નોન ડોમિસાઇલની ગ્લોબલ આસેટ્સ પર ઇનહેરિટન્સ ટેક્સ વસૂલવાના નિર્ણયને ઉલટાવી નાખવા વિચારણા કરી રહ્યાં છે. નવા નિયમો એપ્રિલ 2026થી અમલમાં આવી રહ્યાં છે પરંતુ તેના કારણે મિલિયોનર્સના વધતા સ્થળાંતરે ચિંતા ઉપજાવી છે. ટ્રેઝરીએ જણાવ્યું છે કે સરકાર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોય તે પ્રકારના નવા કર માળખાને સુનિશ્ચિત કરવા કામ કરતી રહેશે.
નાઇજલ ફરાજની રોબિન હૂડ સ્ટાઇલ ટેક્સ પોલિસીની ઘોષણા
રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે રોબિન હૂડ સ્ટાઇલની ટેક્સ પોલિસીની ઘોષણા કરતાં જણાવ્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો અમે નોન ડોમ્સને 2,50,000 પાઉન્ડની ફી ચૂકવવા સામે ટેક્સમાંથી મુક્તિ આપીશું. નોન ડોમ માટેની નવી રિફોર્મ પોલિસી જાહેર કરતાં ફરાજે જણાવ્યું હતું કે, નોન ડોમ્સ પાસેથી વિદેશમાંની કોઇપણ સંપત્તિ, આવક અથવા કેપિટલ ગેઇન્સ પર ટેક્સ વસૂલાશે નહીં. તેમની પાસેથી ઇનહેરિટન્સ ટેક્સ પણ વસૂલાશે નહીં.