અમીશ ત્રિપાઠીના પુસ્તક ‘વોર ઓફ લંકા’નું લોકાર્પણ

Wednesday 22nd March 2023 08:14 EDT
 
 

લંડનઃ વિખ્યાત લેખક અમીશ ત્રિપાઠીની બ્લોક બસ્ટર ‘રામ ચંદ્ર’ સીરિઝ અંતર્ગત પ્રકાશિત ચોથા પુસ્તક ‘વોર ઓફ લંકા’નું 16 માર્ચે તાજ હોટેલ ખાતે યોજાયેલા શાનદાર સમારંભમાં વિમોચન થયું હતું. આ પ્રસંગે ટીવી સ્ટાર અનિતા રાની, એક્ટ્રેસ સોનમ કપૂર, ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢા, વીયુ સિનેમાના ટીમ રિચાર્ડ્સ પ્રેઝન્ટર અનિતા આનંદ, હાર્પરકોલિન્સ પબ્લિશર્સના સીઇઓ ચાર્લી રેડમેઇન સહિત યુકે અને બોલિવૂડની સેલિબ્રિટીસ ખાસ ઉપસ્થિત રહી હતી.
સોનમ કપૂર સાથેના વાર્તાલાપ દરમિયાન અમીશે પ્રાચીન ગ્રંથોના સંદર્ભે તેમના લખાણ અંગે, તેમની પ્રકાશન યાત્રા અંગે, તેઓ કેવી રીતે ફાઇનાન્સથી ફિક્શન તરફ ગયા, બેસ્ટ સેલિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ પુસ્તકનું જાતે જ પ્રકાશન અંગે રસપ્રદ વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે શિવ ટ્રાયોલોજીને ભારતભરમાં 20થી વધુ પ્રકાશકોએ નકારી કાઢી હતી. જોકે આ પછી પુસ્તકને વાચકોએ ઉમળકાભેર આવકાર્યું છે. તેમણે કહ્યું હતું કે શિવ ટ્રાયોલોજી હવે ભારતીય પ્રકાશન ઈતિહાસમાં સૌથી ઝડપથી વેચાતી બુક સીરિઝ છે, જ્યારે રામ ચંદ્ર બીજા નંબરની સૌથી ઝડપથી વેચાતી બુક સીરિઝ છે. અમીશના પુસ્તકોની 6.5 મિલિયનથી વધુ નકલો વેચાઇ ચૂકી છે, જે એક અસાધારણ સિદ્ધિ છે. ભારતના સૌથી વધુ વેચાતા લેખક હોવા ઉપરાંત અમીશ ટીવી ડોક્યુમેન્ટ્રી હોસ્ટ અને રાજદ્વારી પણ છે. તેઓ હાલ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર (કલ્ચર એન્ડ એજ્યુકેશન) તરીકે કામ કરે છે. આ વિમોચન સમારોહના ચીફ ગેસ્ટ તરીકે ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમીશ રાજદ્વારી સેવામાં જોડાયા તે પહેલાથી જ પોતે અમીશના પુસ્તકોના ચાહક રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter