લંડનઃ 25 મિલિયન પાઉન્ડનું બિઝનેસ ટર્નઓવર હાંસલ કરવાની અમૃત ધાલીવાલની સફર અત્યંત પ્રેરણાદાયી છે. 39 વર્ષીય ધાલીવાલે અત્યાર સુધીમાં ત્રણ સફળ કંપનીઓ વેચી છે અને વર્ષ 2019માં પોતાની ચોથી કંપની વોલફિંચની સ્થાપના કરી હતી. જે એક અગ્રણી હોમ કેર પ્રોવાઈડર કંપની છે અને જે યુકેના વિવિધ ભાગોમાં સ્વતંત્ર માલિકીની કંપનીઓને ફ્રેન્ચાઈઝી અધિકારો આપે છે.
ધાલીવાલનો ઉછેર પશ્ચિમ લંડનના સાઉથહોલમાં થયો હતો. તેમના માતા-પિતા પંજાબના એક નાનકડા ગામમાંથી સ્થળાંતર કરીને બ્રિટન આવ્યા હતા. જાન્યુઆરી 1976માં જ્યારે તેમના પિતા બ્રિટન પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર ૩ પાઉન્ડ હતા. શરુઆતમાં ફેક્ટરીઓમાં કામ કર્યા બાદ, તેમણે કપડાં અને ઘરવખરીનો વ્યવસાય શરૂ કર્યો. ધાલીવાલે નાનપણથી જ દુકાનોમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું.
વ્યવસાયના સંસ્કારો ધાલીવાલને વારસામાં મળ્યા હતા. કીલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીનો અભ્યાસ કર્યા બાદ તેમણે હેડહન્ટિંગ, હોસ્પિટાલિટી અને હોમ કેર સેક્ટરોમાં ઝંપલાવ્યું હતું. 2012માં તેમણે પ્રથમ હોમ કેર કંપની સ્યોરકેર ઓક્સફર્ડશાયર ખરીદી હતી. તેઓ કહે છે કે, હું સાઉથહોલનો એક સામાન્ય છોકરો છું. મારામાં કંઈ ખાસ નથી, સિવાય કે હું સખત મહેનત કરવા તૈયાર હતો. દુનિયાના કોઈપણ ખૂણેથી આવતી કોઈપણ વ્યક્તિ જો મહેનત કરવા તૈયાર હોય, તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે.


