અમે જરા પણ રેસિસ્ટ ફેમિલી નથીઃ પ્રિન્સ વિલિયમનો વળતો પ્રહાર

Wednesday 17th March 2021 09:44 EDT
 
 

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે હેરી અને મેગન દ્વારા રાજઘરાણામાં રંગભેદી વિચારધારાના આક્ષેપોને જાહેરમાં ફગાવી દીધા છે. રાજપરિવારના સૌપ્રથમ સભ્યે આ રીતે વ્યક્તિગત જાહેર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ના, અમે જરા પણ રેસિસ્ટ ફેમિલી નથી.’ પ્રિન્સ વિલિયમે એમ પણ જણાવ્યું હતું કે ઓપ્રાહ ઈન્ટરવ્યૂ પછી તેમણે નાના ભાઈ સાથે હજુ વાત કરી નથી પરંતુ, હવે કરશે. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ઈન્ટરવ્યૂ પછી સૌપ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં દેખા દીધી હતી. તેઓ ગુરુવાર, ૧૧ માર્ચે ઈસ્ટ લંડનના સ્ટ્રેટફોર્ડમાં બાળકોના માનસિક આરોગ્યને પ્રોત્સાહન માટેના કાર્યક્રમ સંદર્ભે School21ની મુલાકાતે આવ્યાં હતા.
સ્કાય ન્યૂઝના રિપોર્ટર ઈન્ઝમામ રશીદ દ્વારા પ્રિન્સ વિલિયમને પ્રશ્ન કરાયો હતો કે,‘ઈઝ ધ રોયલ ફેમિલી એ રેસિસ્ટ ફેમિલી? ( શું શાહી પરિવાર રંગભેદી પરિવાર છે?). પ્રિન્સ વિલિયમે પરિવારની પ્રતિષ્ઠાનો બચાવ કરતા એમ કહ્યું હતું કે, ‘ના, અમે જરા પણ રેસિસ્ટ ફેમિલી નથી.’ તેમને ભાઈ હેરી સાથે વાત થઈ છે તેવો પણ પ્રશ્ન કરાયો હતો જેના ઉત્તરમાં ડ્યૂકે કહ્યું હતું, ‘ના, મેં હજુ સુધી તેની સાથે વાત કરી નથી પરંતુ, હું કરીશ.’ આ મુલાકાતમાં ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે આ સપ્તાહે બાળકો વર્ગોમાં પરત ફર્યા તેમજ કેટ દ્વારા ૨૦૧૮માં પ્રાઈમરી સ્કૂલ્સમાં મેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ લોન્ચ કર્યો તેને સેકન્ડરી સ્કૂલ્સમાં શરુ કરવા વિશે જણાવ્યું હતું અને બાળકો સાથે ગમ્મત પણ કરી હતી.
કેટે તેને રડાવી હોવાના મેગનના દાવા પછી ડચેસ ઓફ કેમ્બ્રિજની આ પ્રથમ જાહેર મુલાકાત હતી. ઓપ્રાહ સાથેના ઈન્ટરવ્યૂમાં મેગને તેમના કટુ સંબંધો વિશે વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે વિમ્બલ્ડનમાં તેમના બંનેનાં હસતાં ફોટોગ્રાફ્સ છે પરંતુ, જે દેખાય છે તેવું કશું હોતું નથી. તેણે એમ પણ કહ્યું હતું કે મીડિયા-પ્રેસમાં કેટને ‘વેઈટી કેટી’ કહેવાય છે તેની સરખામણી તેણે સામનો કરેલા રેસિઝમની સાથે થઈ શકે નહિ.
નિષ્ણાતો અનુસાર અંગત આક્ષેપોની જાહેર પ્રતિક્રિયા આપવી સીનિયર રોયલ માટે અભૂતપૂર્વ ગણાવી શકાય અને તેને શાહી પરિવારમાં તેમના વિરુદ્ધના આક્ષેપો બાબતે લાગણીની પ્રબળતાનો સંકેત કહી શકાય. વિલિયમ અને કેટ તેમના વિરુદ્ધ કરાયેલા આક્ષેપોથી ભારે વ્યગ્ર થયેલાં જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter