શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકની તાજેતરની ટિપ્પણીઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. તેમના શબ્દો કેવા પ્રકારના પ્રત્યાઘાતોને જન્મ આપી શકે છે તેની ચિંતા વધુ છે. કેવળ જેનરિક જ નહીં પરંતુ ટોમી રોબિન્સન અને નાઇજલ ફરાજ જેવા લોકો પણ દેશની વૈવિધ્યતાને વિવાદાસ્પદ બનાવી દીધી છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથેની વિશેષ વાતચીતમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સ્ટીવ રીડ (ઓબીઇ)ને સવાલ કરાયો હતો કે આવી સ્થિતિમાં સરકાર લઘુમતી સમુદાયોને શું સંદેશ આપવા માગે છે.
જવાબમાં સ્ટીવ રીડે જણાવ્યું હતું કે, લોકો ચિંતા વ્યક્ત કરે તે વ્યાજબી છે. ધિક્કાર ફેલાવતા અને આક્રમકતા અપનાવતા લોકો સ્વીકાર્ય નથી. સરકાર તેને સાંખી લેશે નહીં. તમે સાંભળ્યું જ હશે કે હોમ સેક્રેટરી કડક શબ્દોમાં વાત કરી રહ્યાં છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વધારાના પગલાં પણ લઇ રહ્યાં છે.
રીડે જણાવ્યું હતું કે, આપણે સમજી શકીએ છીએ કે લોકો હતાશ છે. આપણે છેલ્લા કેટલાંક વર્ષથી ઘણી રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. તેના કારણે તણાવમાં વધારો થયો છે પરંતુ અમે સમાજમાં કોઇપણ પ્રકારના વિભાજન કે નફરતને સાંખી લેવાના નથી. અમે જનતામાં એકતા વધારવા માટે સરકાર તરીકે અમારાથી બનતું બધું કરી છૂટીશું.
રીડે જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં જ પ્રાઇડ ઇન પ્લેસ સ્ટ્રેટેજી નામનું ભંડોળ શરૂ કર્યું છે જે અંતર્ગત દેશના અત્યંત ગરીબ એવા 224 વિસ્તારોને 20 – 20 મિલિયન પાઉન્ડની સહાય અપાશે. આ ફંડિગ સીધું કોમ્યુનિટીને અપાશે. હવે લોકો ગમે તે સમુદાયમાંથી આવતા હોય તેમના વિસ્તારમાં સહિયારા હિતો હોય છે. તેઓ સારા માટે કામ કરતા હોય છે. તેથી આપણે સમાજમાં એકતા લાવતા પગલાં લઇ શકીએ છીએ. સમુદાયોને એકજૂથ કરીને અમે આખા દેશને એકજૂથ કરીશું. મારા મતે આ એક મોટી પ્રાથમિકતા છે.
તેમણે જણાવ્યું હતું કે, હું માનુ છું કે, છેલ્લા 10 વર્ષથી આર્થિક અસુરક્ષા પ્રવર્તી રહી છે. અમે નવી સરકાર છીએ અને રાતોરાત સમસ્યાઓનો ઉકેલ લાવી શક્તા નથી. લોકોને તેમના મત રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ તેમને અન્ય લોકોને પ્રતાડિત કરવાનો કે ધિક્કાર ફેલાવવાનો અધિકાર નથી. તેથી સરકાર કાયદાના દાયરામાં દેખાવો થાય તે સુનિશ્ચિત કરી રહી છે.
યુકે અને ભારત વચ્ચેના વેપાર કરાર પરના સવાલના જવાબમાં રીડે જણાવ્યું હતું કે, તેનાથી ડાયસ્પોરાના જીવનોમાં સુધારો થશે. બંને દેશ વચ્ચેના વેપાર દ્વારા બંને દેશમાં સમૃદ્ધિ વધારી શકાય તે મહત્વનું છે.